*ભગવતલીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમા એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતિએ જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની ચાલુ કરી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવતી વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં રૂ 33,42,132 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી*
(પ્રતિનિધિ) વડોદરા તા.07
શહેરના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ભગવતલીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમા એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પતિએ જાણ બહાર ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની ચાલુ કરી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવતી વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં રૂ 33,42,132 ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-05-2025 ના રોજ નોંધાઇ હતી. આ કેસમાં વડોદરા સેસન્સ કોર્ટમાં ગત તા.19-05-2025 ના રોજ આરોપી અરજદારો તરફથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023(ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 438)ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નકારી કાઢતો હૂકમ કરવામાં આવ્યો હતો.
શહેરના ગદાપુરા લાઇન્સ વોલની બાજુમાં પેરીસનગર સોસાયટીમાં યોગેશભાઇ ભગવતલાલ બનાતવાલા નામના આશરે 75 વર્ષીય વેપારી મકરપુરા જીઆઈડીસીમાં શેડ નં.859/1/સી માં ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની છેલ્લા દસ વર્ષથી ચલાવી વેપાર કરે છે.એપ્રિલ-2019 માં કંપનીમાં એકાઉન્ટન્ટ ની જરૂર હોવાથી શહેરના અટલાદરા સનફાર્મા રોડ ખાતે બી/01, સાંઇ સર્જન સોસાયટીમાં રહેતા રીકીન સુરેશભાઇ ગાંધી ને દર મહિને રૂ.12,000 ના પગારથી નોકરી પર રાખ્યા હતા ત્યારબાદ વર્ષ -2023 માં તેઓને કંપનીમાથી નોકરી પરથી કાઢી મૂક્યા હતા અને નવા એકાઉન્ટન્ટ તરીકે અંકિતભાઈ દરજીને નોકરી પર રાખ્યા હતા. અંકીતભાઇએ એકાઉન્ટ ચોપડાઓ તપાસતા જાણવા મળ્યું હતું કે,રીકીન સુરેશભાઇ ગાંધી એ તેમની ફરજ દરમિયાન કંપનીની જાણ બહાર પોતાના પત્ની એકતા રીકીન ગાંધીના નામે ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપની બનાવી ભગવત લીલા વુડ ક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાથી ભગવત વુડન પ્રોડક્ટ્સ ના બેંક એકાઉન્ટમાં વર્ષ -2021 થી વર્ષ -2023 દરમિયાન કુલ રૂ.33,42,132 ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગત તા.16-05-2025 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અત્રેની સેશન્સ કોર્ટમાં આરોપી અરજદારો તરફથી એડવોકેટ આર.વી.પાઠક દ્વારા ગત તા.19-05-2025 ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023( ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 438) ની કલમ 482 હેઠળ આગોતરા જામીન અરજી રજૂ કરી હતી . જેમાં સરકાર તરફે વકીલ બી.એસ.પૂરોહિતની રજૂઆત સાથે બંને પક્ષોની દલીલો પૂરાવાઓ બાદ 4થા અધિક સત્ર ન્યાયાધીશ એમ.એ.ટેલર દ્વારા આગોતરા જામીન અરજી નકારી કાઢતો હૂકમ કર્યો હતો.
*આરોપી અરજદારોની આગોતરા જામીન નામંજૂર માટેના મુખ્ય મુદ્દાઓ*
-પ્રથમ દ્રષ્ટિએ હાલના અરજદારો સામે કેસ સ્પષ્ટપણે બનેલ છે.
-નાણાકિય લાભ મેળવવા બદનક્ષીભર્યા ઇરાદાથી ગુનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
-બનાવટી ભગવતી વુડન પ્રોડક્ટ્સ નામની કંપનીમાં ખાતામાં વ્યવહારો સ્પષ્ટ રીતે કર્યા.
-પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી ઘણું બધું દર્શાવે છે.
-તપાસ હજી પાયા પર છે જેના મૂળ ઘણા ઊંડા છે.
-અરજદારો ન્યાયથી ભાગી જવાની શક્યતા છે.
-આરોપી અરજદારો દ્વારા સમાન અથવા અન્ય ગુનાઓનું પુનરાવર્તન કરવાની શક્યતા.