Vadodara

મકરપુરા ગામમાં ડ્રેનેજની કામગીરીમાં પાણીની લાઈન તૂટી, હજારો લીટરનો વેડફાટ

કોઈપણ પ્રકારના સુપરવિઝન વગર ચાલતી કામગીરીને પગલે રહીશોમાં ભારે રોષ; અધિકારીઓના ઉદ્ધત જવાબથી લોકો અકળાયા

વડોદરા: શહેરના વોર્ડ નંબર 19 માં આવતા મકરપુરા ગામના સર્વન્ટ્સ ક્વોર્ટર પેલેસ લાઇન વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ડ્રેનેજ નાખવાની કામગીરી દરમિયાન પીવાના પાણીની મુખ્ય લાઇન તોડી નાખવામાં આવતા હજારો ગેલન ચોખ્ખું પાણી ગટરમાં વહી ગયું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જોકે, આ કામગીરી દરમિયાન કોઈ જવાબદાર અધિકારી કે સુપરવાઈઝર હાજર ન હોવાથી કામદારોએ આડેધડ ખોદકામ કર્યું હતું. પરિણામે પીવાના પાણીની લાઇન કપાઈ ગઈ હતી અને પીવાનું પાણી રસ્તાઓ પર અને ગટરમાં વહેવા લાગ્યું હતું.

જ્યારે વિસ્તારના લોકોએ પાણીના વેડફાટ અંગે હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના માણસોને રજૂઆત કરી, ત્યારે તેમને અત્યંત ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ રહીશોને જણાવ્યું હતું કે, “અમારી પાસે પ્લમ્બર નથી, તમે તમારી રીતે પ્લમ્બર બોલાવો અને તમારા ખર્ચે પાઈપલાઈન રિપેર કરાવી લો.” તંત્રના આવા જવાબથી લોકો વધારે રોષે ભરાયા હતા. લોકોનું કહેવું છે કે જો ભૂલ તંત્રની હોય તો રિપેરિંગનો ખર્ચ રહીશો શા માટે ભોગવે?

મકરપુરા ગામના રહીશોએ આક્ષેપ કર્યો છે કે તેઓ છેલ્લા 55 વર્ષથી અહીં રહે છે અને ક્યારેય ચોમાસામાં પણ પાણી ભરાવાની કે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા નહોતી. જૂની લાઇન બરાબર કામ કરી રહી હોવા છતાં, કોઈ પણ નક્કર કારણ વગર નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરીને લોકોને હાલાકીમાં મુકવામાં આવ્યા છે.

હાલમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પીવાના પાણીનો આ રીતે વેડફાટ થતા લોકોમાં ચિંતા છે. રહીશોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પોતાના ખર્ચે પાઈપલાઈન રિપેર કરી આપે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે જવાબદારો સામે પગલાં લેવામાં આવે.

Most Popular

To Top