Vadodara

મકરપુરા એસ.ટી ડેપોના કેન્ટીન અને ઓફિસ સીલ, 46 લાખની વસૂલાત માટે તંત્રની કાર્યવાહી તેજ



વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરીને વધુ ગતિ આપવામાં આવી છે. અગાઉ ખાનગી મિલકતો પર સીલ મુકવાની કાર્યવાહી બાદ હવે સરકારી અને અર્ધસરકારી મિલકતો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે પાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 19 ના અધિકારીઓ દ્વારા મકરપુરા એસ.ટી ડેપો ખાતેની કેન્ટીન અને ઓફિસને સીલ કરવામાં આવી છે. એસ.ટી ડેપો પર કુલ 46 લાખ રૂપિયાની બાકી રકમ હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે, મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને ટિકિટ બારી વિભાગને સીલ કરવામાં આવ્યો નથી.



મકરપુરા વિસ્તારની સરકારી મિલકત પરની કાર્યવાહી બાદ, પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જો અન્ય સરકારી અને અર્ધસરકારી મિલકતો પર પણ વેરાની રકમ બાકી રહેશે તો તેમના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ ખાનગી મિલકતોના બાકી વેરા વસૂલવા માટે સીલ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, અને હવે તંત્ર એ જ નીતિ સરકારી અને અર્ધસરકારી મિલકતો માટે પણ અપનાવી રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, વેરાની વસૂલાત માટે જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે, અને જો જરૂર પડશે તો વધુ સરકારી મિલકતો પર પણ સીલિંગ અને અન્ય પગલાં ભરવામાં આવશે.

Most Popular

To Top