Vadodara

મકરપુરામાં રસ્તામાં રખડતાં કૂતરાંને કારણે રિક્ષા પલ્ટી ખાઇ જતાં વૃદ્ધ ઇજાગ્રસ્ત

વૃધ્ધને જમણા હાથ -પગમા ઇજા પહોંચી, હાલ એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા શો રૂમની સામેના રોડ પરથી પસાર થ ઇ રહેલી ઓટો રિક્ષા સામે અચાનક રખડતું કૂતરું આવી જતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે વૃદ્ધ ને જમણાં હાથે અને પગે ઇજા પહોંચી હોય તેઓને 108 મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં રખડતાં પશુઓ જેમાં ગાય, ભેંસ, કૂતરાંઓનો રીતસરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના દરેક વિસ્તારમાં રખડતાં પશુઓએ માઝા મૂકી છે. અવારનવાર રખડતાં પશુઓને કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. છતાં પાલિકા તંત્ર અને તેનું ઢોર શાખા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેમ જણાય છે. દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પોતાના બજેટમાં રખડતાં કૂતરાઓના ખસીકરણ પાછળ બજેટ દર્શાવે છે. તેમ છતાં શહેરમાં રખડતાં કૂતરાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જોવા મળે છે. ખાસ કરીને રાત્રી દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં તો જો કોઇને નોકરી પર જવા આવવાનું થાય કે પછી કોઇપણ પ્રકારની ઇમરજન્સી સમયે બહાર નિકળવું પડે તેમ હોય તો રખડતાં કૂતરાઓથી જોખમ ભરેલું હોય છે. એક પ્રકારનો ડર રહે છે. ઠેરઠેર રોડ રસ્તાઓ અને ગલીઓમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. શાળાએ જતા બાળકો, રાહદારીઓ કે પછી વાહનદારીઓ પાછળ રખડતાં કૂતરાં દોડે છે અને રખડતાં કૂતરાઓના હૂમલાથી ઘણા લોકો ભોગ પણ બની રહ્યાં છે. ઘણીવાર રખડતાં કૂતરાં કરડવા સામે ઇન્જેક્શન પણ ઉપલબ્ધ નથી થતાં. તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાં જોવા મળી રહ્યું હોય તેમ જણાય છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા શો રૂમ સામેના રોડ પર ગત રાત્રે પોણા બે વાગ્યે એક ઓટો રિક્ષા સામે રખડતું કૂતરું વચ્ચે આવી જતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે સયાજીગંજ વિસ્તારમાં આવેલા જામવાડી ખાતે રહેતા આશરે 65 વર્ષીય વૃદ્ધ રવિશંકર સુખનંદ સીંગને જમણાં હાથે અને પગમાં ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ દોડી આવી તેમને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top