ધડાકાભેર અથડામણથી વીજ થાંભલો નમી ગયો, કારને ભારે નુકસાન
અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર, પોલીસની તપાસ શરૂ
વડોદરા:
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એસટી ડેપો પાછળ આવેલી સરસ્વતી ટાઉનશીપ નજીક ગત મોડી રાત્રે બેફામ ઝડપે દોડતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર વીજ થાંભલા સાથે અથડાઈ ડિવાઈડર પર ચડી જવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વીજ થાંભલો નમી ગયો હતો અને કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે એક કારચાલક પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. દરમિયાન સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ વીજ થાંભલા સાથે અથડાઈ હતી. સદનસીબે અકસ્માત સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતાં મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ ઝડપે વાહન ચલાવવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ચિંતા વ્યાપી રહી છે.