પિતા સાથે સ્કૂલે જઈ રહેલી બાળકી માટે કાળ બનીને ત્રાટકી બે કાર; ત્રણ વાહનો વચ્ચેની ટક્કરમાં ફૂલ જેવી દીકરી કરમાઈ



(પ્રતિનિધિ), વડોદરા. તા.19
વડોદરામાં અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. શહેરનો મકરપુરા વિસ્તાર આજે એક ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો, જેમાં એક હસતા-રમતા પરિવારે પોતાની 7 વર્ષની દીકરી ગુમાવી છે. મારુતિ વેગેનાર જેનો નંબર MP 09 ZY 3238 અને ટોયેટો ઇનોવા GJ 06 PE 8663 અને ટુ વ્હીલર વચ્ચે શ્રીજી નગર પાસે, કટારીયા શોરૂમની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર સ્પીડ અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડ્યા છે. દ્રશ્યોમાં દેખાતી આ ભીષણતા સાક્ષી પૂરે છે કે અકસ્માત કેટલો ભયાનક હશે. બે ફોર વ્હીલર અને એક ટુ વ્હીલર વચ્ચે થયેલી આ ટક્કરમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી બંને કાર ચાલકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. મૃતક બાળકી જીયાન સોલંકી તેમાં પિતા સાથે ટુ વ્હીલર પર સવાર થઈને સ્કૂલમાં જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો. આ માત્ર અકસ્માત નથી, પણ રસ્તા પર ચાલતા નિર્દોષ નાગરિકો માટે મોતના પંજા સમાન છે. શું આ માસૂમનો વાંક માત્ર એટલો જ હતો કે તે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ? મકરપુરા જેવા વ્યસ્ત વિસ્તારમાં વાહનોની ગતિ પર લગામ કેમ નથી ? આવા ભયજનક વળાંકો કે કટ પાસે સુરક્ષા કેમ નથી ? શું કટારીયા શોરૂમ પાસેનો આ કટ અકસ્માત ઝોન બની ગયો છે ? તંત્ર કેમ આ બાબતને ધ્યાનમાં નથી લેતું. યાદ રાખો, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. રસ્તા પરની તમારી થોડી સેકન્ડની ઉતાવળ, કોઈકના ઘરનો ચિરાગ ઓલવી શકે છે. સ્પીડનો રોમાંચ માત્ર ક્ષણિક છે, પણ તેની અસર આજીવન હોઈ શકે છે. શહેરના રસ્તાઓ રેસિંગ ટ્રેક નથી. 40-50ની ગતિ પણ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. ખાસ કરીને વળાંક અને ક્રોસિંગ પર વાહનની ગતિ ધીમી રાખો. આજે એક 7 વર્ષની બાળકીનો જીવ ગયો છે, આવતીકાલે કોનો વારો ? જો વડોદરાનું તંત્ર હજુ પણ નહીં જાગે અને નાગરિકો પોતાની જવાબદારી નહીં સમજે, તો આ માર્ગો લોહીથી ખરડાતા જ રહેશે. હવે સમય આવી ગયો છે કે સ્પીડ કરતા સેફ્ટી ને પ્રાધાન્ય આપવામાં આવે.