પાછળથી ટક્કર મારતા ઈકોને ભારે નુકસાન : બસના ચાલકની અટકાયત
એસટી દ્વારા બીજી બસની વ્યવસ્થા નહીં કરતા મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી :
( પ્રતિનિધી )વડોદરા,તા.19
શહેરના મકરપુરા વિસ્તારમાં જીએસઆરટીસીની સુરત ઉધનાની બસ અને ઈકો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સર્જાયેલા અકસ્માતને પગલે એસટી બસના ચાલક સામે પોલીસે કાર્યવાહી કરતા તેમજ અન્ય બસની વ્યવસ્થા એસટી દ્વારા કરવામાં નહિ આવતા મુસાફરી કરી રહેલા મુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા હતા. જ્યારે ઈકોના પાછળના ભાગે નુકસાન થયું હતું.

વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર શમી નથી. દરરોજ ક્યાંકને ક્યાંક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, તેવામાં શહેરના મકરપુરા વિસ્તારમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. બનાવ એમ છે કે મકરપુરા રોડ પરથી પસાર થઈ રહેલી એસટી બસના ચાલકે કારને ટક્કર મારી હતી. ઇકો કારને પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું. સર્જાયેલા આ અકસ્માતને પગલે પોલીસ પહોંચી હતી અને બસ ડ્રાઈવરને પકડીને લઈ ગઈ હતી. આ વખતે બસમાં મુસાફરો સવાર હતા.

જોકે, ડ્રાઇવર જ નહીં હોવાથી આ તમામ મુસાફરો અટવાઈ ગયા હતા. અન્ય બીજી બસ મારફતે પણ મુસાફરોને કોઈ મદદ મળી ન હતી. જેથી મુસાફરીમાં અધવચ્ચેજ મુસાફરો અટવાઈ ગયા હતા.