Vadodara

મકરપુરામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં સ્થાનિકોએ યોજી સફાઈ રેલી

સ્વચ્છતા એ જ સેવા, ગંદકીને ગેટ આઉટ. ગંદકી મુક્ત ગલી, રોગમુક્ત વસ્તી, પરિવર્તનની શરૂઆત આપણા ઘરના ઉંબરાથી

મકરપુરા વિસ્તારમાં આવેલી શુભ અને રાધે રેસીડેન્સીના રહીશોએ રેલી યોજી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

શહેરના મકરપુરા બસ ડેપો પાછળ આવેલી શુભ રેસીડેન્સી અને રાધે રેસીડેન્સી ના રહીશોએ સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો કચરાના નિકાલ પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી સ્થાનિકો દ્વારા પાલિકાના સહયોગથી આજ રોજ એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરી આ બાબતે રજૂઆત કરી હતી કે, જો તંત્રનો સાથ મળે તો તેઓ લોકજાગૃતિ માટે રેલી કરવા માંગે છે. પાલિકાએ આ પ્રસ્તાવને વધાવી લીધો હતો.

આ રેલીમાં વડોદરા પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ ઝોન) શમીક જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના સફાઈ સેવકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં ગંદકી દૂર કરી “સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા” ના સંકલ્પને સાકાર કરવાનો હતો.

રેલી દરમિયાન રહીશોએ પ્લેકાર્ડ્સ દ્વારા સંદેશ આપ્યો હતો કે, કચરો ગમે ત્યાં ન ફેંકવો. ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો.
ભીનો અને સૂકો કચરો અલગ રાખવો. રવિવારની સવારે આયોજિત આ રેલીમાં શુભ અને રાધે રેસીડેન્સીના રહીશો ઉત્સાહભેર જોડાયા હતા.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માત્ર પાલિકા સફાઈ કરે તે પૂરતું નથી, નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે ગંદકી ન કરીએ. આ કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશીએ રહીશોના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને અન્ય સોસાયટીઓને પણ આમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું. સાથે તેઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર કાગળ પર લખવાનો વિષય નથી, પરંતુ તે એક સંસ્કાર છે. આપણે આપણા ઘરની સફાઈ તો કરીએ છીએ, પણ ઘરની બહાર નીકળતા જ રસ્તાને ‘ડસ્ટબિન’ સમજી લેવાની ભૂલ કરીએ છીએ. મકરપુરાની આ બે સોસાયટીઓએ જે કરી બતાવ્યું છે તે સાબિત કરે છે કે જો જનતા જાગૃત થાય તો તંત્રને પણ કામ કરવાની નવી ઉર્જા મળે છે.

Most Popular

To Top