Vadodara

મકરપુરામાં અંધારાનો કહેર, ટેમ્પોની અડફેટે શ્રમિકનું કમકમાટીભર્યું મોત

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સર્જાયો જીવલેણ અકસ્માત; સ્થાનિકોમાં ભારે રોષ

વડોદરા :;સંસ્કારી નગરી વડોદરામાં અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. શહેરના મકરપુરા ડેપોથી જી.આઈ.ડી.સી. (GIDC) તરફ જતાં માર્ગ પર રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે રસ્તો ઓળંગી રહેલા નિર્દોષ મજૂરને જોરદાર ટક્કર મારતા, શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મકરપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રાત્રિના સમયે એક શ્રમિક પોતાનું કામ પતાવીને જઈ રહ્યો હતો. આ દરમિયાન મકરપુરા ડેપો તરફથી જી.આઈ.ડી.સી. તરફ જતાં રોડ પર બેફામ ગતિએ દોડતા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે શ્રમિક રોડ પર ફંગોળાયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત બાદ ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત પાછળ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મકરપુરા ડેપોથી જી.આઈ.ડી.સી. જતો આ મુખ્ય માર્ગ લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે અંધારપટમાં ગરકાવ રહે છે. અંધારાને કારણે વાહન ચાલકોને રસ્તા પર ચાલતા રાહદારીઓ દેખાતા નથી, જે આ જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, “વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રોડ પર લાઈટો ચાલુ કરવામાં આવતી નથી. અંધારાનો લાભ લઈને વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના કારણે આજે એક ગરીબ શ્રમિકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.”
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top