ગવર્મેન્ટ ના કાયદા અમે નથી માનતા, પ્રાઇવેટ સ્કુલ છે ,અમે નહીં ચલાવી શકીએનો સ્કૂલના પ્રિન્સિપાલનો બાળકીના પિતાને વળતો જવાબ :
કેજીમાં લાલ રંગ હતો એક પહેરાવીને અમે મોકલીએ છે અને હવે સ્વેટરનો ભુરો રંગ થયો છે : બાળકીના પિતા
( પ્રતિનિધિ )વડોદરા,તા.24
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા બાળકોને ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનેથી જ સ્વેટર ખરીદવા દબાણ કરવામાં આવતું હોવાની બાબત ધ્યાને આવતા સરકારે પરિપત્ર જાહેર જાહેર કરી કોઈપણ શાળા બાળકોને સ્વેટર મામલે દબાણ કરશે નહીં અને જો કરવામાં આવશે તો કાર્યવાહી કરાશે તેમ સૂચના આપી હતી. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને સ્વેટર મામલે દબાણ કરવામાં આવી રહ્યું વાત બાળકીના પિતાએ શહેરના એક એડવોકેટને કરી છે.
શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે અને સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. આવા સંજોગોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. આ ઉપરાંત ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તે જોવા જિલ્લા શિક્ષણ અધિકારીને તાકીદ પણ કરવામાં આવી છે. જેથી દરેક વખતે આવી સૂચના આપવાની જરૂર નહીં રહે. આ બાબતે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે મકરપુરા વિસ્તારમાં આવેલી ઓક્ઝેલીયમ કોન્વેન્ટ સ્કુલના સંચાલકો સરકારના આ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ જાણવા મળ્યું છે. આ શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી એક સ્ટુડન્ટને સ્વેટર મામલે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળતા તેના પિતાએ આ બાબતે શહેરના જાણીતા એડવોકેટ ભાવિન વ્યાસને સમગ્ર બાબતેથી વાકેફ કર્યા હતા. પિતાએ એડવોકેટ ભાવિન વ્યાસને રજૂઆત કરતા જણાવ્યું છે. મારી દીકરી મકરપુરાની ઓક્ઝેલીયમ કોન્વેન્ટમાં પ્રથમ ધોરણમાં ભણે છે. અહીં તે પહેલાં કે.જી સેક્શનમાં હતી, ત્યારે સ્વેટર લીધું હતું અને તે પહેરાવીને જ હાલમાં તેને સ્કૂલમાં મોકલીએ છીએ અને હવે પ્રથમ ધોરણમાં આવી છે એટલે સ્વેટરનો માત્ર કલર બદલાઈ ગયો છે તો હવે અમે પ્રિન્સિપાલને મળવા માટે ગયા હતા. તો એમનું એવું કહેવું છે કે ગવર્મેન્ટના કાયદા અમે નથી માનતા. આ પ્રાઇવેટ સ્કૂલ છે, એટલે અમે નહીં ચલાવી શકીએ. આ રીતનો અમને જવાબ આપ્યો. હવે મારી દીકરી સ્વેટર તો પહેરી જ જાય છે પણ સ્વેટર નો કલર માત્ર લાલ છે અને એમને ભૂરો જોઈએ છે. અમને સર્ક્યુલર પણ બતાવ્યો કે ગવર્મેન્ટનો આ પ્રમાણેનો સર્ક્યુલર છે કે તમે કોઈપણ બાળકોને દબાણ કરી શકતા નથી મારી દીકરીને ત્રણ ચાર દિવસ આવી રીતે પ્રેશર કર્યું હતું. જોકે આ બાબતે એડવોકેટ તરફથી આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
એડવોકેટ ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે, આ મકરપુરાની ઓક્ઝિલિયમ સ્કૂલ પહેલેથી જ આ બધા ધંધા કરે છે. એવું તો મને 2005 થી ખબર છે. હમણાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. વાલીને હેરાન કરે છે. શું શિક્ષણ મંત્રીના અને ડીઈઓના પરિપત્રની કોઈ કિંમત નથી? અમારી તો એટલી તાકાત છે, કાલે સ્કૂલને તાળું મરાવી દઈએ અને મેં તો કીધું જ રેકોર્ડિંગમાં પણ વાલી ગભરાય છે કે મારી નાની બાળકીને તકલીફ પડે તો? બેટી બચાવો બેટી પઢાવો આપણી સરકારનો નારો છે અને આજે વિચારો બાળકીનો પિતા ડરીને ફોન કરે છે. મિશનરીઓની સ્કૂલ આ ધંધા કરે છે અને આપણા હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ છીએ. આપણી હિન્દુની સરકાર છે અને આપણા લોકો પરેશાન છે આપણા જ લોકો દુઃખી છે આપણે કંઈ કરવું જોઈએ.