આવતીકાલે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે
હાલના 10 સહિત 24 જેટલા ધારાસભ્યોનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ
વડોદરા: ગાંધીનગરમાં નવા મંત્રીમંડળની વિસ્તરણ અંગે ચર્ચાઓ તેજ બની છે. વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો પણ હાલ ગાંધીનગર પહોંચી ગયા છે. જેના પગલે શહેરના ધારાસભ્યોના નામો પણ મંત્રીપદ માટે ચર્ચામાં આવ્યા છે. વડોદરા શહેરના રાવપુરા ધારાસભ્ય બાળુ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર વાડીના ધારાસભ્ય મનીષા વકીલ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના નામો મંત્રીપદ માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. સાથે જ, વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું નામ પણ મંત્રીપદ માટે મોખરે છે. ગાંધીનગર ખાતે મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચી ગયા છે. આથી હવે નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલના મંત્રીમંડળમાંથી આશરે 15 મંત્રીઓ પૈકી 6થી 11 જેટલાં મંત્રીઓને ફરી સ્થાન મળવાની શક્યતા છે. નવા ચહેરાઓને પણ તક મળવાની ધારણા છે. વડોદરા જિલ્લાના ધારાસભ્યોમાં કેટલાકે પોતાના વિસ્તારમાં થયેલા વિકાસ અને સંગઠન સાથેના સંબંધોને ધ્યાને લઈને મંત્રીપદ માટે આશા વ્યક્ત કરી છે.
હાલ ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર છે. કોણને સ્થાન મળશે અને કોણ બહાર રહેશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. પક્ષના વરિષ્ઠ નેતાઓની ચર્ચા બાદ આખરી યાદી તૈયાર કરવામાં આવશે. આધિકારીક રીતે મંત્રીમંડળની યાદી શુક્રવારે સવારે વાઘબારસના દિવસે જાહેર થશે. આ સાથે રાજ્યના નવા મંત્રીઓ મહાત્મા મંદિર ખાતે શપથ લેશે. બીજી તરફ મંત્રીઓ શુક્રવારે શપથ લેશે તે પહેલા ગુરુવારે મોડી સાંજે કામચલાઉ સહાયકોની યાદી પણ જાહેર કરી હતી. જેઓ બે મહિના સુધી અથવા નવી નિમણૂક ન થાય ત્યાં સુધી સહાયકની ભૂમિકામાં રહેશે.
કુંભ, કર્ક અને કન્યા માટે શુભ સમય, મીન-મકર-મેષને પદની સંભાવના
આપણા રાજ્યની કુંભ રાશિ છે અને ભાજપ પક્ષની ધન રાશિ છે. જેમાં હાલના ગ્રહોંની સ્થતિ મુજબ 15 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધીના સમયમાં રાહુ અને સૂર્યની સ્થતિનો અભ્યાસ કરીને અને 12 રાશિ મુજબ કર્ક, કન્યા, કુંભ માટે સારો સમય છે. ઉપરાંત મેષ, મકર, મીન રાશિના જાતકોને મોટી જવાબદારી અને પદ મળી શકે. વૃષભ, સિંહ અને ઘન રાશિને મધ્યમ ફળ છે અને મીથૂન તુલા, વૃશ્ચિક માટે કસોટીભર્યો સમય છે.
– જીગર ઠક્કર, જ્યોતિષ