ગોરવા પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળાની ઘટનાને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જયા ગેમ ઝોન ચાલી રહ્યા છે તેમના વિરુદ્ધ લાલ આંખ કરી છે. ગેમ ઝોનના સંચાલક દ્વારા પરમિશન મેળવવામાં આવી છે કે નહીં તેની તપાસની કાર્યવાહી શરૂ કરાઇ છે. ગોરવા વિસ્તારમાં આવેલા ઈન ઓર્બિટ મોલમાં સેકન્ડ ફ્લોર પર આવેલા વીડિયો ગેમિંગ ઝોનના સંચાલક દ્વારા પોલીસ કે અન્ય વિભાગની મંજૂરી લીધા વિના જ ગેમિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવા પોલીસને બાતમી મળી હતી કે ગોરવા વિસ્તારમાં આવેલા મોલમાં પોલીસની પરવાનગી વગર ગેમઝોન ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરી હતી. જે દરમિયાન ગેમઝોનમાં એક વ્યક્તિ હાજર જોવા મળ્યો હતો. જેની પૂછપરછ હાથ ધરતા પોતે રાઇડના હેલ્પર તરીકે નોકરી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગેમઝોનના માલિકો દ્વારા ગેમિંગ એક્ટિવિટી અંગેની પોલીસ તરફથી કોઇ મંજૂરી કે લાયસન્સ ઇસ્યુ કરાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું.
ઇન ઓર્બિટ શોપિંગ મોલના સેકન્ડ ફ્લોરમાં પોલીસ વિભાગ કે અન્ય વિભાગની મંજૂરી વગર ગેમઝોન ચાલી રહ્યું હતું. જે વડોદરા શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે. સાથેજ માનવ જિંદગી જોખમમાં મુકાય તે રીતે ગેરકાળજી રાખી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગોરવા પોલીસે ગેમિંગ ઝોનના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.