Vadodara

મંચ પર ઉડી મનોદિવ્યાંગ પ્રતિભાનૃત્ય–અભિનયથી મહિલા ખેલાડીઓને અપાયું ટ્રિબ્યૂટ


પ્રતિનિધિ
મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસના આશય સાથે છેલ્લા ૧૫ વર્ષથી શહેરના મહાવીર હોલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો દ્વારા મહિલા રમતવીરોને ટ્રિબ્યૂટ આપતા નૃત્ય સહિત ૧૦થી વધુ ઉત્સાહજનક અને ભાવસભર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિલમ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભા સમાજ સમક્ષ રજૂ થાય તે હેતુથી આયોજિત આ વાર્ષિકોત્સવમાં લગભગ એક મહિનાની મહેનત બાદ ૧૨૦ જેટલા બાળકોએ મળીને કાર્યક્રમ તૈયાર કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ હતી. ત્યારબાદ પુસ્તક, ‘મેરી મા’, ક્રિકેટ જેવી થીમ તેમજ સાઉથ ઈન્ડિયન ગીતો પર આધારીત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો હોવાના સંદર્ભમાં મહિલા રમતવીરોને ટ્રિબ્યૂટ અર્પણ કરતું વિશેષ પર્ફોમન્સ પણ મનોદિવ્યાંગ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, હાલના સમયમાં વધતા તણાવને કારણે થતી આત્મહત્યાઓ જેવા ગંભીર વિષયને આધારે પણ ભાવસભર પર્ફોમન્સ રજૂ કરાયો હતો. કાર્યક્રમના અંતે શિક્ષકના જીવનમાં મહત્વ અને દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય જોઈ ઉપસ્થિત તમામ દર્શકો ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાંથી અવિરત અશ્રુ વહ્યા હતા.

Most Popular

To Top