Vadodara

ભૂતડીઝાંપા મેદાનમાં કચરામાં ગણેશજીની પ્રતિમાઓ મળતા ભક્તોમાં રોષ

બેદરકારી પૂર્વક ફેંકી દેવાયેલી કેટલીક મૂર્તિઓ ખંડિત

વહેલી સવારે કોઈ મૂકીને ચાલ્યું ગયું હોવાનું આસપાસના લારીધારકોનું અનુમાન

( પ્રતિનિધી )વડોદરા,તા.28

ઉત્સવ પ્રિય નગરીમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન શહેરના ભૂતડીઝાંપા મેદાન પાસે કચરામાં ગણેશજીની પ્રતિમાઓ મળી આવતા ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જ્યારે મેદાન બહાર જ સીસીટીવી કેમેરા લાગેલા છે. જો તેની તપાસ કરવામાં આવે તો સત્ય ઉજાગર થઈ શકે તેમ છે.

વડોદરા ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશ ચતુર્થી નો પર્વ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ના પર્વની ઉજવણી દરમિયાન હાલ એક અત્યંત દુઃખદ અને શરમજનક ઘટના સામે આવી છે. શહેરના ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ નજીક કચરાના ઢગલા માંથી ગણેશજીની પ્રતિમાઓ બેદરકારી પૂર્વક ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્થાનિક ભક્તો અને ધાર્મિક સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. ગણેશજીની આરાધના બાદ જ્યારે વિસર્જનની વિધિ થાય છે. ત્યારે ભક્તો શ્રીજીને સન્માનપૂર્વક વિદાય આપે છે. પરંતુ શહેરના ભૂતડી ઝાંપા પાસે જોવા મળેલા આ દ્રશ્યથી ભક્તોની ધાર્મિક લાગણી દુભાય છે. જેમાં કચરામાં તૂટેલા વાસણો અને અન્ય નકામા કચરાની વચ્ચે ગણેશજીની નાની મોટી પ્રતિમાઓ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી જોવા મળી હતી. જ્યારે આમાંથી કેટલીક પ્રતિમાઓ ખંડિત પણ થઈ ગઈ છે. જે જોઈને ભક્તોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ મામલે સ્થાનિક રાકેશભાઈ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની બાબત છે. આ ઘટના સવારે વહેલા બની હોય તેમ લાગી રહ્યું છે. સાડા દસ વાગ્યા બાદ અહીંયા કોઈ આવ્યું નથી એ પહેલા કોઈ નાખીને જતું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અહીંયા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જો તેની તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત સામે આવી શકે તેમ છે.

Most Popular

To Top