બજેટ સભાના બીજા દિવસે સત્તા પક્ષના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભૂંખી કાંસના કામ મામલે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પર દબાણ બનાવે છે અને તેમને ધમકી આપે છે પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે, “અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ફોન કરી સ્પષ્ટપણે કહે છે કે આ કામમાં ટેન્ડર ન ભરવું, કેમ કે તેમાં મોટા લોકો સામેલ છે. છતાં જો કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે અને તેને કામ મળે, તો પછી તેને ટેન્ડરના નિયમો હેઠળ બાહર કરી દેવામાં આવે છે.”
તેમણે અધિકારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે જો આવું ચાલુ રહેશે તો તે યોગ્ય નથી. “આવા અધિકારીઓને હવે છૂટો દોર મળી ગયો છે. જો આગામી દિવસોમાં આ કાર્યપાલક ઈજનેર લક્ષ્ય સામે કાર્યવાહી નહીં થાય, તો હું આ મુદ્દે સત્તાવાર દરખાસ્ત રજૂ કરીશ,” એમ જાડેજાએ ચેતવણી આપી હતી. વિપક્ષ નેતા અમીબેન રાવતે પણ આ મુદ્દે સત્તા પક્ષના કોર્પોરેટરના દાવાનો સમર્થન કર્યો. “વિપક્ષ કોઈપણ કામમાં વિલંબ કરવા માટે વિરોધ કરતું નથી, પરંતુ જો અધિકારીઓ ટેન્ડર ન ભરવા માટે ધમકી આપે છે, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ,” એમ તેમણે જણાવ્યું હતું.
વડોદરામાં 34 ટીપી પેન્ડિંગ, વિપક્ષ અને સત્તાપક્ષ બંનેએ રજૂઆતો કરી
વડોદરા શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના અંગે વિવાદ અને વિલંબનો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે. બજેટ સભાના બીજા દિવસે વિપક્ષ નેતા પુષ્પાબેન વાઘેલાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, વર્ષ 2016થી 34 ટીપી પેન્ડિંગ છે, જેમાંથી ટીપી નંબર 6, 61 અને 63 છેલ્લા 25-30 વર્ષથી પડતર છે. ટીપી નંબર 53માં 2021માં સારાભાઈ કમ્પાઉન્ડ બનાવાયું, જેમાં પાછળનો ભાગ ખાલી હતો. આ માટે વર્ષ 2019માં અલગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ તે પણ સરકાર દ્વારા અમલમાં ન મૂકાયો. વિપક્ષના આ મુદ્દાને સત્તાપક્ષના કોર્પોરેટર અજિત દાધિચે પણ સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે, ગ્રામ્ય ટીપીમાં કોર્પોરેશનની ભૂમિકા મહત્વની છે. અનેક બિલ્ડરો બાંધકામ પૂર્ણ કર્યા બાદ નીકળી જાય છે, જેનાથી કોર્પોરેશનને કોઈ લાભ નથી મળતો. તેમણે ખાસ ટીપી 6માં ગાર્ડન બનાવવાની માંગ કરી હતી, જે હજુ મંજૂર થયું નથી. વધુમાં, જ્યાં ગાર્ડન બનાવવાની યોજના હતી, ત્યાં બાંધકામ થઈ ગયું, જે મોટો પ્રશ્ન છે. ગ્રામ્ય ટીપીમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા બાંધકામમાં કપાત વસૂલવાની પ્રક્રિયા જરૂરી છે, એમ પણ તેમણે ઉમેર્યું. આ અંગે વધુ ચર્ચા કરતા કોર્પોરેટર ઘનશ્યામ પટેલે જણાવ્યું કે, જ્યારે શાલિનીબેન કમિશનર હતા, ત્યારે 40% કપાતનું બોર્ડ લગાવવું ફરજિયાત કરાયું હતું. અમદાવાદમાં ડ્રાફ્ટ ટીપી ફરજિયાત છે, જ્યારે વડોદરામાં બિલ્ડર લોબી અને મોટા હસ્તીઓ ફાઇનલ ટીપી મેળવી લે છે, જ્યારે નાના બિલ્ડરો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, વડોદરામાં પણ ડ્રાફ્ટ ટીપી લાગુ કરવી જોઈએ અને 20 ફેબ્રુઆરી 2025થી તેનો અમલ થવો જોઈએ. તેમજ, નવી મંજૂર થતી બાંધકામ રજા ચિઠ્ઠી પર 40% કપાતનું બોર્ડ ફરજિયાત લાગુ કરવું જોઈએ, જેથી યોગ્ય વિકાસ થાય.
વિપક્ષે ગેસ પ્રોજેક્ટની બેલેન્સ શીટ અને ઊંચા દરો અંગે ઉઠાવ્યા સવાલ
વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભામાં ગેસ પ્રોજેક્ટને લઈને મોટા સવાલો ઉઠ્યા હતા. કોંગ્રેસ નેતા પુષ્પાબેન વાઘેલાએ પાલિકા અને વડોદરા ગેસ વચ્ચેની નાણાકીય ગડબડીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, “વર્ષ 2013-14 પછી આજ સુધી ગેસ પ્રોજેક્ટની કોઈ બેલેન્સ શીટ રજૂ કરવામાં આવી નથી.” તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે, ગેસ કનેક્શન માટે ભરપાઈ કરવી પડતી રકમ સતત વધી રહી છે. અગાઉ ગેસ કનેક્શન માટેનું ફોર્મ રૂ.20માં મળતું હતું, જે હવે રૂ50માં મળી રહ્યું છે. તેમજ ગેસ પાઈપલાઈન કનેક્શનની ફી પણ રૂ.5100 થી વધારી રૂ.6300 કરવામાં આવી છે. જોકે, તાજેતરમાં ગેસનો ભાવ રૂ.48 થી રૂ.49 વચ્ચે ચાલી રહ્યો છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ આ મુદ્દે ભારપૂર્વક કોર્પોરેશનની આળસ અને ગેરવહીવટને આડે હાથે લીધી. “કાયદા અનુસાર, શહેરની અંદર થતો કોઈપણ ધંધો કોર્પોરેશનને ટેક્સ આપે તે જરૂરી છે, પરંતુ ગેસ પ્રોજેક્ટની આવક અને ખર્ચને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી,” તેમ તેમણે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, “શહેરમાં ગેસ સસ્તો મળવા કરતા મોંઘો મળી રહ્યો છે, અને પાલિકા બેલેન્સ શીટ રજૂ કરતી નથી. આવી સ્થિતિમાં, કોર્પોરેશનની આવક કેવી રીતે વધશે?”
પાલિકાના ગુમ થયેલા દસ્તાવેજો મામલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી
કોર્પોરેટર વર્ષાબેન વ્યાસે તાજેતરમાં ભાણજી પટેલ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “પાલિકાની મિલકત બચાવવા માટે લડતા સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવી યોગ્ય નથી.” ભાણજી પટેલે પણ આ બાબતને ગંભીર ગણાવી, પાલિકાના અધિકારીઓ પર પ્રહાર કરતા કહ્યું, “કેટલાય દસ્તાવેજો ગુમ થઈ ચૂક્યા છે. આજે પણ કેટલા દસ્તાવેજો ગુમ થયા છે તે જાણવા માટે વિશેષ તપાસ થવી જોઈએ.” શાસક પક્ષના નેતા મનોજ પટેલે સવાલ ઉઠાવ્યો કે, “પાલિકાની મિલકત પર કોઈ વ્યક્તિ પાલિકાની જાણ વિના માલિક કેવી રીતે બની શકે?” તેમણે વધુમાં કહ્યું કે, “અધિકારીઓની નિષ્કાળજીના કારણે મિલકતના દસ્તાવેજો ગુમ થઈ રહ્યા છે, તો તેનો જવાબ પણ અધિકારીઓએ જ આપવો જોઈએ.” ઘનશ્યામ પટેલે પણ આ બાબતમાં પોતાનું વલણ દાખવ્યું અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. વિપક્ષ નેતા અમીબેન રાવતે પણ આ મામલે સત્તાધીશો પર આક્ષેપ કરતાં કહ્યું, “જ્યારે પાલિકા પોતાની મિલકતો વિશે બેખબર છે, ત્યારે વ્હિસલ બ્લોઅર તરીકે કામ કરનારા સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી ગેરલાયક છે. અધિકારીઓની બેદરકારીને કારણે ફાઈલો ગુમ થાય, અને તેઓએ જવાબ ન આપવો એ અસહ્ય છે. આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.” કોર્પોરેટર નિલેશ રાઠોડે પાલિકાના લીગલ વિભાગ પર નિશાન સાધતા કહ્યું, “લીગલ વિભાગને તાળા મારી દેવા જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કેટલા કેસ છે, કેટલા જીત્યા, કેટલા હાર્યા આ માહિતી જાહેર થવી જોઈએ.”
ઓવરબ્રિજ નીચેના ટ્રાફિક સિગ્નલો પર વિવાદ, કોર્પોરેટરો સમીક્ષા માટે એકજૂટ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં આજે ટ્રાફિક સિગ્નલ અને ઓવર બ્રિજને મુદ્દો ઉઠાવાયો. ભાજપના કોર્પોરેટર નીતિન દોંગા જણાવ્યું કે હરીનગર, ચકલી સર્કલ, યોગ સર્કલ સહિતના ઓવરબ્રિજ નીચે ભારે ટ્રાફિક જોવા મળે છે. તેઓએ પ્રશ્ન કર્યો કે ઓવરબ્રિજ ટ્રાફિક મુક્તિ માટે બનાવવામાં આવે છે, તો પછી તેની નીચે ટ્રાફિક સિગ્નલો લગાવવાની જરૂર શા માટે ? કોંગ્રેસ નેતા જહા દેસાઈએ કહ્યું, મહેસાણા નગર અને છાણી જકાતનાકા વિસ્તારમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યાં પહેલા ક્યારેય ટ્રાફિક જામ ન થતો, પણ હવે નવી સિગ્નલો લગાવતા ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે. કેટલાક સિગ્નલો પર ગ્રીન લાઈટ માત્ર 20 સેકન્ડ રહે છે, જ્યારે ક્યાંક 130 સેકન્ડ સુધી ચાલુ રહે છે. યોગ સર્કલ ખાતે તો 180 સેકન્ડ સુધી રાહ જોવી પડે છે. આ સમસ્યાને લઈને કોર્પોરેટરોએ પોલીસ કમિશનર સાથે બેઠક યોજવા અને ઓવરબ્રિજ નીચેના ટ્રાફિક સિગ્નલોની સમીક્ષા કરવા માંગ કરી છે.
148 કરોડમાં શહેરના રોડ આરસીસી બની જાત!
વડોદરામાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત 148.6 કરોડના ખર્ચે 10 રોડ બનેલા છે, પરંતુ તેમની હાલત નાગરિકો જ જાણી શકે. કોંગ્રેસે આરોપ મૂક્યો કે આટલા રૂપિયામાં આખા શહેરના રોડ આર.સી.સી. બની જાત. તેમણે વધુ કહ્યું કે સ્માર્ટ અધિકારીઓ લાખોના પગારમાં મોજ કરે છે, અને એક મહિલા અધિકારીએ સાડીઓનું બિલ આપ્યું હતું. વર્ષ 2017માં બે કરોડની ટેક્સ રકમ ભરાતા 50 લાખનું નુકસાન થયું. વિપક્ષે સવાલ કર્યો કે આ માટે જવાબદાર કોણ?
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિલંબ ન કરો, ચોમાસા પહેલા પૂર્ણ કરવા સભ્યોની તાકીદ
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે શાસક નેતા મનોજ પટેલે જણાવ્યું કે સિંચાઇ વિભાગે નિયમસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં 150 ઇજારદારોએ ભાગ લીધો છે. 10 મે સુધી 100 દિવસ પૂર્ણ થશે અને ઓછા ખર્ચમાં ગુણવત્તાસભર કામ થવું જોઈએ. સત્તાપક્ષના કોર્પોરેટર મનીષ પગારેએ તાકીદ કરી કે કામ શરૂ કરવામાં વિલંબ ન કરવો જોઈએ. તેમણે સભામાં સભ્યને ટોકી અવરોધ ન કરવા કહ્યું. તેમણે યાદ અપાવ્યું કે પૂરની પીડા ગંભીર હતી અને કામ ટાળવાથી ફરી મુશ્કેલીઓ ઊભી થઈ શકે. કમોસમી વરસાદ પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તેમણે તંત્રને દબાણ કર્યું.