Vadodara

ભુખી કાંસ રી-રૂટ મામલે હાઇકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારનાર કોંગ્રેસે રિટ પાછી ખેંચી

પ્રેઝન્ટેશનમાં જન આંદોલન સહિત ઉગ્ર વિરોધ કરનાર કોંગ્રેસ બેકફુટ પર

કોંગ્રેસે રિટ પરત ખેંચી લેતા ભુખી કાંસ રી-રૂટ કામગીરીનું ખાતમુહુર્ત થવાની શક્યતા

એપ્રિલ માસમાં વિસ્મામિત્રી નદી વિકાસ યોજના હેઠળ વડોદરાની ભૂખી કાંસને રી-રૂટ અને ડાયવર્ટ કરવાની યોજના માટે પાલિકા તરફથી મેયરની અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ ડૉ. હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, કોર્પોરેશનના અધિકારીઓ અને અનેક કાઉન્સિલરો હાજર રહ્યા હતા. બેઠકમાં વોર્ડ નં. 1ના કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, જહાં દેસાઈ અને હરીશ પટેલે કામનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છતાં કામને મંજૂરી આપી દેવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ પણ બે મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં હજુ સુધી રી-રૂટનું કામ શરૂ થઈ શક્યું નથી. જે તે સમયે કોંગ્રેસ તરફથી આ કામ ન થવા દેવા માટે જન આંદોલન અને કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. તેમાં કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી અને જેના પગલે જૂનના મધ્ય ભાગમાં પાલિકાને કામ અટકાવવાની લીગલ નોટીસ પણ મળી હતી. હવે મળતી માહિતી મુજબ, જુલાઈના પ્રથમ સપ્તાહમાં પુષ્પાબેન વાઘેલાએ હાઇકોર્ટમાંથી રિટ પાછી ખેંચી લીધી છે. જેને લઈને હવે રાજકીય માહોલમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસ હવે આ કામનો વિરોધ બંધ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, આ યોજના માટે વોર્ડ દીઠ સોસાયટીમાં બેઠકો પણ યોજાઈ હતી અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ સ્થાનિક લોકોને રૂટ બદલવાની કામગીરી અંગે માહિતી આપી હતી. જોકે હવે વિરોધ શાંત થયો હોવા છતાં ભૂખી કાંસના રી-રૂટ કામની શરૂઆત ક્યારે થશે તે અંગે હજુ સુધી પાલિકા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે, જે તે સમયે જ્યારે આ કામનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ત્યારે ઝડપથી કામગીરી પૂર્ણ કરી દેવાના દાવા પણ કરાયા હતા. જોકે હજુ સુધી આ કામગીરીનું ખાતમુહૂર્ત પણ થઈ શક્યું નથી. જોકે હવે કોંગ્રેસે રિટ પરત ખેંચી લેતા આગામી સમયમાં ખાતમુહુર્ત થાય તેવી શકયતાઓ છે.


ભૂખી કાંસ મુદ્દે NGT માં જઈશું – પુષ્પા વાઘેલ

નદી, નાળા અને કાંસના કેસો NGT માં ચાલતા હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ પરત ખેંચી છે. આગામી સપ્તાહમાં NGT માં કેસ દાખલ કરી દઈશું. – પુષ્પા વાઘેલા, કાઉન્સિલર, વોર્ડ નં 1

Most Popular

To Top