કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ભાજપનો પ્રજાહિતનો દાવો
ડાયવર્ઝનથી પૂરની ભીતિ કે રાહત? ટેક્નિકલ ચર્ચા વચ્ચે કોંગ્રેસનો વિરોધ, ભાજપે વિકાસનું કામ ગણાવ્યું

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ હેઠળ ભુખી કાંસને રી-રૂટ અને ડાયવર્ટ કરવાની યોજના પર વિવાદ ઉગ્ર બન્યો છે. ગત રોજ મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સાંસદ ડૉ હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાયી સમીતીના ચેરમને ડૉ શીતલ મિસ્ત્રી સહિત અન્ય કાઉન્સિલરો અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલરો અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, જહાં દેસાઈ અને હરીશ પટેલે ભૂખી કાંસના ડાયવર્ઝનનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બેઠકમાં ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ ટીકા કરતાં જણાવ્યું હતું કે “કૉંગ્રેસના 7માંથી 4 કાઉન્સિલર રહી જશો.” આ ટિપ્પણી બાદ કોંગ્રેસના બે કાઉન્સિલરોએ મીટિંગમાંથી વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાઉન્સિલરોનું કહેવું છે કે ડાયવર્ઝનના કારણે વોર્ડ 1ના વિસ્તારો જેમ કે છાણી, સમા રોડ, નવાયાર્ડ અને નિઝામપુરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. “અમે નાગરિકોને ડૂબાડવા નહીં દઈએ,” તેમ કોંગ્રેસ કાઉન્સિલરોને જણાવ્યું હતું અને જો આ કામ કરવામાં આવશે તો ભવિષ્યમાં ઉગ્ર જન આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ, ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ ભૂખી કાંસના ડાયવર્ઝનથી પાણી ભરાવવાની પરિસ્થિતમાં સુઘાર થશે અને પૂર જેવી પરિસ્થિતિમાંથી ભવિષ્યમાં રાહત મળશે. જોકે, વોર્ડ નંબર 1ના નાગરિકોના હિત માટે નિર્ણયને યોગ્ય ઠેરવવો કે ખોટો, તે રાજકીય દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે.

પુષ્પા વાઘેલાએ ચેરમેન પર અપમાન કરવાનો આક્ષેપ કર્યો
વોર્ડ 1ના કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ આરોપ મૂક્યો છે કે ભુખી કાંસ ડાયવર્ઝન મુદ્દે વિરોધ ન કરવા બેઠકમાં તેમને દબાણમાં લેવા પ્રયાસ થયો. ચેરમેને વિરોધ કરતાં કહ્યું કે, “લોકોને ગેરમાર્ગે દોરશો તો 7માંથી 4 રહી જશો.” પુષ્પા વાઘેલાએ ભાજપ પર સત્તાના દબાણથી ભુખી કાંસ ડાયવર્ટ કરવાનો આક્ષેપ કર્યો છે અને કહ્યું કે તેઓ વિસ્તારના હિત માટે લડી રહ્યા છે.
પ્રજાહિત સામે રાજકીય વિરોધ યોગ્ય નહી : સાંસદ ડૉ હેમાંગ જોશી
સમગ્ર મામલે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું, ભૂખી કાંસ રિરુટ મામલે આજે યોજાયેલી બેઠકમાં તમામ ટેકનિકલ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મિત્રોના જે પ્રશ્નો હતા તે બાબતે પણ તેમને ટેકનીકલી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના વિસ્તારમાં પાણી કેવી રીતે નહીં ભરાય તે બાબતનું પણ ટેકનિકલી સમજાવટ કરવામાં આવી છે. અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, આ કોઈ પાર્ટીનું અંગત કામ નથી પ્રજાહિતનું કામ છે અને પ્રજાના હિતમાં વિરોધ ન કરવો જોઈએ. બેઠકમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના માત્ર બે મહિલા કાઉન્સિલરોએ વોકઆઉટ કર્યો હતો જ્યારે અન્ય કાઉન્સિલરોએ બેઠક પૂર્ણ કરી હતી.
વિકાસમાં વિઘ્ન ઊભું કરશો તો સાતમાંથી ચાર થઈ જશો : ડો. શીતલ મિસ્ત્રી
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. એની કોઈ મુદ્દા છે નહીં એટલે કંઈપણ ખોટી બાબતો ઊભી કરી રહી છે. મેં જે નિવેદન આપ્યું કે, સાતમાંથી ચાર કાઉન્સિલરો થઈ જશો તેનો સંદર્ભ એવો હતો કે, આ જ પ્રકારે વિકાસના કામોમાં અડચણો ઊભી કરી લોકોને ગેરમાર્ગે દોરશો તો સાતમાંથી ચાર થઈ જશો. ભવિષ્યમાં વડોદરા શહેરને પૂરમાંથી બચાવવા માટેનો આ પ્રયાસ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેના માટે જ કરવામાં આવી રહ્યો છે. ભૂખી કાંસ ડાયવર્ટ કરવાથી વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઇ જશે.
ધારાસભ્ય કેયુર રોકડિયાએ કોંગ્રેસ પર ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો
ભૂખી કાંસ અંગે ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું, વોર્ડ 1 અને 2માં પૂરનું પાણી જે ભરાય છે એ પાણી છાણી તરફથી આવે છે. ભૂખી કાંસ આગળ જતા સાંકળી થઈ જાય છે એટલે તેને રિરૂટ કરવી જરૂરી હતી. રિરુટના પ્લાન કોર્પોરેશને બનાવ્યો ત્યારે કોંગ્રેસે આ મામલે લોકોમાં ભય પેદા કરવાનું કામ કર્યું છે. આજે મળેલી બેઠકમાં અમે કોંગ્રેસને એકનિકલ ડેટા આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. રિરુતની કામગીરીથી કોઈ જગ્યાએ પાણી ભરાવાનું નથી પરંતુ પાણીનો યોગ્ય નિકાલ થશે.
ભુખી નદીના પ્રવાહ બદલવાના વિવાદ પર હોબાળો, અમી રાવતનો વિરોધ
વડોદરામાં ભુખી નદીના પાણીને છાણી અને નિઝામપુરા તરફ ડાયવર્ટ કરવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણય સામે કાઉન્સિલર અમી રાવતે ઝણઝણતો વિરોધ નોંધાવ્યો છે. મેયર પિંકી સોનીને લેખિતમાં પત્ર આપીને તેઓ મીટીંગનો બહિષ્કાર કરી નીકળી ગયા હતા. પત્રમાં તેમણે જણાવ્યું કે જે વિસ્તારોમાં નદીનું પાણી વાળવાનો પ્લાન છે ત્યાં ઐતિહાસિક પૂરના સમયમાં પણ પૂર આવ્યું નહોતું. આ નિર્ણયથી રહેવાસીઓના જીવને જોખમ ઊભું થશે. તેમણે પાંચ માગણીઓ રાખી છે જેમાં નદીનું સાચું સીમાંકન, દબાણો દૂર કરવાનું અને નદીના મૂળ પ્રવાહને જાળવવાનું સમાવિષ્ટ છે. ઉપરાંત, ભ્રષ્ટ ટ્રાન્સપોર્ટ હબ અને બોટલનેક જેવા મુદ્દાઓને ઉકેલવાથી નદીના મુલભૂત પ્રવાહને જાળવી શકાય છે. છેલ્લે તેઓએ ચેતવણી આપી કે જો તેમની માંગણીઓ ન સંતોષાય તો જનઆંદોલન તથા કાનૂની પગલાં લેવામાં આવશે.