વડોદરા: રાજ્યમાં આવતીકાલે GPSC દ્વારા DySO અને નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે. પરંતુ ભારે વરસાદની આગાહી અને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ વચ્ચે ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાય તેવી શક્યતા છે. ઉમેદવારો સોશિયલ મીડિયામાં રજૂઆત કરી રહ્યા છે કે આવા સમયે પરીક્ષા મુલતવી રાખવી જોઈએ. કારણ કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્રે શાળાઓમાં રજા જાહેર કરી છે અને નાગરિકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. અત્રે નોંધનીય છે કે, ભારે વરસાદની આગાહી છતાં GPSC પરીક્ષા યોજી રહ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ છે.
વડોદરા શહેરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે બે કેન્દ્ર ફાળવાયા છે, ફતેગંજની હિલ મેમોરિયલ સ્કૂલ અને હરણી રોડ પરની જય અંબે સ્કૂલ. અહીં કુલ 269 દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે રેગ્યુલર ઉમેદવારો માટે વડોદરા શહેરમાં 218 કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે, જેમાં કુલ 4317 ઉમેદવારો આવતીકાલે હાજર રહેશે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ટ્રાફિક, રસ્તાના ખાડા અને પરિવહન સુવિધાની તકલીફ ઉમેદવારોને પડી શકે છે. ઉમેદવારોની ચિંતા છે કે આવા પરિસ્થિતિમાં પરીક્ષા યોજવી યોગ્ય નથી.