VMC ફાયર વિભાગનું ચેકિંગ: મેન્ટેનન્સ અને એક્સપાયરી ડેટની તપાસ વચ્ચે ચેરમેન કાર્યાલયના દરવાજે જ ગંભીર બેદરકારી સામે આવી.


વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી ખાતે આજે ફાયર વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં પાલિકાની વિવિધ કચેરીઓ અને સંકુલમાં લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર મશીન સહિત અન્ય ફાયર સેફ્ટી ઉપકરણોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, આ ચેકિંગ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે.
પાલિકાની વિવિધ કચેરીઓમાં 50થી વધુ સ્થળો પર ફાયર એક્સટિંગ્વિશર લગાવવામાં આવ્યા છે, જેની સમયાંતરે નિયમિત તપાસ થતી હોય છે. ફાયર ડિવાઇસીસનું પ્રેશર, મેન્ટેનન્સ અને એક્સપાયરી ડેટ જેવી મહત્ત્વની બાબતોનું સમાંતરે ચેકિંગ કરવામાં આવે છે.
આ સઘન ચેકિંગ દરમિયાન, ખુદ સ્થાયી સમિતિના ચેરમેનની કચેરીની બિલકુલ બહાર જ લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર મશીનમાં ગંભીર ખામી જોવા મળી હતી. આ એક્સટિંગ્વિશર લો પ્રેશર વાળું હોવાનું ફાયર વિભાગના ધ્યાને આવ્યું હતું.
જો પાલિકાની કચેરીમાં કોઈ અકસ્માત અથવા દુર્ઘટના સર્જાય અને તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવાની જરૂર પડે, તો સ્થાયી સમિતિના ચેરમેનની કચેરી બહાર લગાડેલું લો પ્રેશર વાળું આ ઉપકરણ ખરેખર ઉપયોગમાં આવી શકે કે કેમ, તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. મહાનગરના વહીવટી વડાની કચેરી બહાર જ જો ફાયર સેફ્ટીની આવી બેદરકારી જોવા મળતી હોય, તો અન્ય સામાન્ય વિભાગોમાં સેફ્ટીના ધોરણો કેટલા જળવાતા હશે, તે એક મોટો પ્રશ્ન છે.
ફાયર વિભાગે તમામ લો પ્રેશર અને ખામીયુક્ત ડિવાઇસીસ તાત્કાલિક ધોરણે રિપેર અથવા બદલવા માટે સંબંધિત વિભાગોને આદેશ આપ્યો હોવાની માહિતી મળી છે.