ગોત્રી યશ કોમ્પ્લેક્ષ પાસે કોન્ક્રીટ મીક્ષર મશીનના ચાલકે કારને અડફેટે લીધી
અકસ્માત સર્જી ચાલક સ્થળ પરથી ફરાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
( પ્રતિનિધિ ) વડોદરા તા.15
વડોદરા શહેરમાં ભારદારી વાહનો બેકાબૂ બન્યા છે. તંત્રની તેની પર કોઈ રોક નહીં હોવાથી હવે દિવસ દરમિયાન ભારદારી વાહનો નિયમોને નેવે મૂકીને દોડી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલા એક સિમેન્ટ કોન્ક્રીટ મીક્ષર મશીનના ચાલકે કારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં આખેઆખી કાર ફરી ગઈ હતી. જ્યારે અકસ્માત સર્જી ચાલક સ્થળ પરથી ફરાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા શહેરમાં હવે ટ્રાફીક નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. ભારદારી વાહનો પર દિવસ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અને અન્ય વાહન ચાલકોને અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ભારદારી વાહને એક કારને અડફેટે લેતા સદનસીબે જાનહાનિ થતા ટળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ગોત્રી યશ કોમ્પ્લેક્સ પાસેથી પસાર થઈ રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મીક્ષર મશીનના ચાલકે એક કારને અડફેટે લીધી હતી. જોરદાર ટક્કર વાગતા આખી કાર એક સાઈડ પર ફરી ગઈ હતી. જ્યારે આ અકસ્માત સર્જાતા લોકટોળાનો મેથીપાક પડે તે પૂર્વે જ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.જોકે કારને ભારે નુકસાન થયું હતું. જ્યારે સ્થળ એકત્ર થયેલા લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આવા ભારદારી વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ બની ગઈ છે. છતાં પણ આ ઘટનાઓ પરથી તંત્ર કોઈ બોધપાઠ લેતું નથી. જેના કારણે આવા ભારદારી વાહનો બેફામ બની રહ્યા છે.