કોટંબી સ્ટેડિયમ ખાતે BCA અને પોલીસ વિભાગની સમીક્ષા બેઠક
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
આગામી 11 જાન્યુઆરીના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વન-ડે ક્રિકેટ મેચને લઈ સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થાની વિશેષ સમીક્ષા શરૂ કરવામાં આવી છે. લાંબા વર્ષો બાદ વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોવાથી પોલીસ માટે આ મોટો પડકાર બનશે—એવું રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું છે.

બુધવારે કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેઠકમાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમિન, રેન્જ IG સંદીપ સિંઘ, SP સહિત પોલીસ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ટ્રાફિક ફ્લો, પાર્કિંગ વ્યવસ્થા, હાઇવે મેનેજમેન્ટ અને દર્શકોની સલામતી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

રેન્જ IG સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, “15 વર્ષ પછી વડોદરામાં મેચ આવી રહી છે અને સ્ટેડિયમ હાઉસફુલ રહેશે. તેથી ટ્રાફિકનું મૂવમેન્ટ સુચારુ રહે તે માટે વડોદરા સિટી પોલીસ સાથે સંકલન કરાયું છે. પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાઈ છે જેથી રોડ પર વાહનો પાર્ક ન થાય. સ્ટેડિયમના સંપૂર્ણ લેઆઉટનો અભ્યાસ કરીને સેક્શનલ-વાઇઝ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કઈ વસ્તુ અંદર લઈ જઈ શકાશે અને કઈ નહીં—તેની જાહેરાત પાર્કિંગ એરિયામાં જ કરવામાં આવશે.”પોલીસ અને BCA દ્વારા તૈયાર કરાયેલ વ્યવસ્થિત બંદોબસ્તની સ્કીમથી દર્શકોને સલામત અને આનંદપૂર્ણ વાતાવરણમાં મેચ જોવા મળશે—એવું અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે
સ્ટેડિયમની ક્ષમતા મર્યાદિત હોવાથી તમામને ટિકિટ આપવી શક્ય નથી: પ્રણવ અમીન
BCA પ્રમુખ પ્રણવ અમિને જણાવ્યું હતું કે, “વર્ષોથી વડોદરામાં મેન્સ સિનિયર મેચ આવી ન હતી. નવા સ્ટેડિયમમાં આ પ્રથમ મેન્સ મેચ છે, તેથી તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી છે. મેનેજમેન્ટ, સેફ્ટી, હાઇવે મેનેજમેન્ટ, પ્લેયર સેફ્ટી અને ટ્રાન્સપોર્ટેશન—બધા પાસાઓ પર ચર્ચા થઈ છે. સ્ટેડિયમની ક્ષમતા આશરે 30,000 છે, જ્યારે વડોદરાની વસ્તી 25 લાખથી વધુ છે, તેથી તમામને ટિકિટ આપવી શક્ય નથી. વિશ્વસ્તરના ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમવાના હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ છે.”
.