પાવી જેતપુર:
છોટાઉદેપુર જિલ્લાની જાણે દશા બેઠી હોય તેમ છેલ્લા ઘણા સમયથી વિવિધ બ્રિજની હાલતને લઇ લોકો ભારે મુશ્કેલીમા મુકાયા છે. બે વર્ષ અગાઉ સિહીદ પાસે આવેલ ભારજ નદીનો બ્રિજ તૂટી જતા પાવી જેતપુરથી ડુંગરવાટનો ભારજ નદીનો બ્રિજ વૈકલ્પિક રસ્તા તરીકે પણ ઉપયોગ મા લેવાતો હતો. આજે સવારથી બ્રિજ પર મસમોટુ ગાબડું પડતા આ બ્રિજ પરથી પણ ભારદારી વાહનો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ પાવી જેતપુર તાલુકાના લોકો સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના લોકો ચિંતામા મુકાયા છે.
છોટાઉદેપુર જિલ્લાની વાત કરીયે તો એક બ્રિજ તૂટી ગયો છે અન્ય ત્રણ બ્રિજ પર ભારે વાહનોની અવર જવર બંધ છે જ્યારે આજે વધુ એક ભારજ નદીનો બ્રિજ જે ડુંગરવાટ ગામ પાસે આવેલો છે અને સુખી ડેમથી માત્ર લગભગ ત્રણ કિ. મી. અંતરે છે તે બ્રિજ પર મસમોટો ભુવો પડતા તંત્રને જાણ થતા તાલુકા વહીવટી તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને વાહનો ની અવર જવર બંધ કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી વેપાર સાવ ઠપ થઈ ગયા છે. રસ્તાઓના નેટવર્કમાં વિક્ષેપો ઊભા થતાં બજારોમાં લોકોની અવરજવર 90 ટકા પ્રભાવિત થઈ છે અને રોજિંદા જીવનમા લોકો ખુબ મોટી અસર થઇ છે. મંદીની મોસમમાં આ અવસ્થા દુષ્કાળમાં અધિક માસ જેવી લાગે છે. વેપારીઓ સહિત આ વિસ્તારના નાગરિકોની પીડા અને દર્દને સમજવાવાળા કે સાંભળવા વાળા કોઈ કાન નથી એવો અહેસાસ આ વસ્તીને થઈ રહ્યો છે.