Vadodara

ભાયલી, સેવાસી અને ગોત્રી ખાતે પણ ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા માંગ



ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે દશામાંના વિસર્જન દરમિયાન તે પ્રકારે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કુત્રિમ તળાવના કારણે અગવડતા પડી હતી. જેથી શનિદેવ ફાઉન્ડેશન, હિન્દુ એકતા સમિતિ અને ગણેશ મંડળોના આગેવાનો દ્વારા આજે અગમચેતીના ભાગરૂપે ગોત્રી, સેવાસી તથા ભાયલી વિસ્તાર ખાતે પણ તંત્ર દ્વારા કુત્રિમ તળાવ બનાવી આપવા માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. આજે શનિદેવ ફાઉન્ડેશન, હિન્દુ એકતા સમિતિ તેમજ ગણેશ મંડળોના આગેવાનોએ ભેગા મળીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર અને અકોટાના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પશ્ચિમ વિસ્તારના લોકો માટે ગણપતિ વિસર્જન અર્થે ભાયલી, સેવાસી અને ગોત્રી ખાતે કૃત્રિમ તળાવની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

ખરાબ રસ્તાને કારણે મૂર્તિ ખંડિત થાય છે
દર વર્ષે મોટી સંખ્યામાં નાની મોટી મૂર્તિનું વિસર્જન થાય છે અને વિસર્જન માટે તળાવ ન હોવાથી કેટલાય ભક્તોને અગવડ પડતી હોય છે. આ સાથે જ રોડ રસ્તા પણ વ્યવસ્થિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. કારણ કે, ગત વર્ષે જ રસ્તા ખરાબ હોવાના કારણે ગણેશજીની એક મૂર્તિ ખંડિત થઇ હતી. જેથી આ વખતે ભક્તોને કોઈપણ જાતની અગવડતા ન પડે તેમજ તેમની લાગણી ન દુભાય તે માટે તંત્ર અત્યારથી જ અગમચેતીના પગલાં ભરે તેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે. આ મામલે શનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવિન સોનીએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં દર વર્ષે ગણેશ વિસર્જન માટે ગણેશ મંડળો અને નાગરિકોને ખુબ મુશ્કેલી પડતી હોય છે. કારણ કે, ગણેશ વિસર્જન માટે ફક્ત એક જ સ્થળ છે. જ્યાં તમામ મંડળો ભેગા થતા હોય છે જેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા ખુબ જ થાય છે અને પારાવાર મુશ્કેલી પડતી હોય છે. જેથી આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે સેવાસી, ભાયલી કે ગોત્રી વિસ્તારમાં પણ કુત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તેવી અમારી માંગ છે.


શહેરમાં 10થી વધુ કૃત્રિમ તળાવ બનાવાશે: સ્થાયી અધ્યક્ષ
આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભાયલી, સેવાસી અને ગોત્રી ખાતે કૃત્રિમ તળાવની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. જેને લઈને તંત્ર સજાગ છે અને જુદા-જુદા વિસ્તારોમાં કુત્રિમ તળાવ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. તમામ આગેવાનોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એ દિશામાં કામ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તમામ નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તળાવ બનાવવામાં આવશે. આ વખતે ગણેશોત્સવમાં તળાવની કમી ન પડે અને દર વખત કરતા આ વખતે 15,000 જેટલી મૂર્તિઓનું વિસર્જન થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. 10-12 કુત્રિમ તળાવ બનાવવાની વાત છે જે સર્વે કરીને કામ કરવામાં આવશે.

Most Popular

To Top