પાલિકા મહેરબાન તો કોન્ટ્રાક્ટર પહેલવાન
પાલિકાના અધિકારીઓ દલા તરવાડી જેવો વહીવટ કરે છે અને એના પુરાવા દરેક કામમાં જોવા મળે છે. તાજેતરમાં સ્થાયી સમિતિમાં મંજુરી માટે આવેલી ભાયલી તળાવના બેટીફિકેશનની દરખાસ્ત પાલિકાના અધિકારીઓ દલા તરવાડી નીતિનો બોલતો પુરાવો છે પાલિકાએ આ કામ માટે રૂપિયા 4.89 કરોડનો અંદાજ લગાવ્યો હતો. કોન્ટ્રાક્ટર અગ્રવાલ કન્સ્ટ્રકચરે આ કામ કરવા માટે 6.77 કરોડ રૂપિયા માંગ્યા એનો મતલબ પાલિકાના અંદાજ કરતા 1.85 કરોડ રૂપિયા વધુ ટકાવારીમાં ગણીએ તો મૂળભાવ કરતા 38% વધુ ચૂકવવા તૈયાર થઈ ગઈ છે.
આમ પાલિકાના અધિકારીઓએ પોતે નક્કી કરેલા ભાવથી કોન્ટ્રાક્ટરને રૂપિયા 1.85 કરોડ વધુ નફો કરવા એક ઝાટકે તૈયાર થઈ ગયા . ટૂંકમાં દલા તરવાડીની જેમ. અહીં સવાલ એ છે કે તળાવના બ્યુટીફિકેશન માટે અધિકારીઓ ખર્ચનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગયા છે કે પછી કોન્ટ્રાક્ટરને નફો કરાવવા માટે પોતે નક્કી કરેલો ખર્ચનો અંદાજ ખોટો હોવાનું માની લીધું. આ બંને સવાલોમાં છેલ્લે તો પ્રજાના રૂપિયા વપરાય છે.
ભ્રષ્ટાચારની ગંગોત્રી એવી મહાનગરપાલિકા આવું પહેલી વખત નથી કરી રહી. આના પહેલા પણ કેટલાય પ્રોજેક્ટનો અંદાજ મુકવામાં આવ્યો હોય એના કરતાં વધારે ટકાવારીમાં પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો ને લાભ પહોંચાડવા નક્કી કરેલા ભાવથી વધારે ટકાવારી નો ભાવ આપી અને કોન્ટ્રાક્ટરોને ખુશ કરતા હોય છે. શું આની અંદર અધિકારીઓની કટકી હોય છે એવા સવાલ ઊભા થાય છે.
અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરે આપેલા કામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હોય છે. એ પછી બ્લોક બેસાડવાનું કામ હોય કે ગટર લાઈનનું કામ હોય કે પીવાની પાણીને લાઈનનું કામ હોય. જ્યારે કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરે છે એના ટૂક જ સમયમાં અથવા તો બ્લોક ઉખડી જાય છે અથવા પાણીની કે ગટરની લાઈન બેસી જતી હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર નોટીસ આપી સંતોષ માનતી હોય છે અને એના પછીના વિકાસના કામોમાં એ જ કોન્ટ્રાક્ટરોને ફરી ઇજારો આપવામાં આવે છે તે શું સૂચવે છે?
