Vadodara

ભાયલીમાં રોડની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટી, સ્થાનિકોમાં અફરાતફરી

​કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી: ડી-માર્ટ પાસે અચાનક ગેસ ગળતર થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા, કલાકો સુધી પુરવઠો ખોરવાયો

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફરી એકવાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી ગામ પાસે ડી-માર્ટ નજીક રોડ બનાવવાની કામગીરી દરમિયાન ગેસની મુખ્ય લાઈન ફાટતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતી સાવચેતી રાખ્યા વિના કરવામાં આવતા ખોદકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ભાયલી ડી-માર્ટ પાસે છેલ્લા કેટલાક સમયથી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આજે કામગીરી દરમિયાન જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે જમીનમાં રહેલી વડોદરા ગેસ લિમિટેડની લાઈનમાં મોટું પંચર પડ્યું હતું. ગેસ લાઈન ફાટતા જ અચાનક મોટા અવાજ સાથે ગેસ ગળતર શરૂ થયું હતું. ધોળે દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ગેસ ગળતરની જાણ થતા જ વડોદરા ગેસ લિમિટેડનો ટેકનિકલ સ્ટાફ અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મોટી જાનહાનિ ટાળવા માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો ગેસ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. VGL ના સ્ટાફના જણાવ્યા અનુસાર, સમારકામની કામગીરીને કારણે આશરે બે કલાક સુધી વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયેલો રહેશે.
સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટરો કોઈ પણ પ્રકારના નકશા કે જાણકારી વગર આડેધડ ખોદકામ કરે છે. આજે જો ગેસ ગળતરને કારણે આગ લાગી હોત તો અનેક લોકોના જીવ જઈ શકત.”
વડોદરામાં અવારનવાર કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારી સામે આવતી રહે છે. ક્યારેક પાણીની લાઈન તો ક્યારેક ગેસ લાઈન તોડવી એ સામાન્ય બની ગયું છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે, શું વડોદરા મહાનગરપાલિકા આવા બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરશે કે પછી દર વખતની જેમ નોટિસ આપીને મામલો થાળે પાડી દેવાશે?

Most Popular

To Top