Vadodara

ભાયલીમાં તીવ્ર દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ, પાલિકા નિષ્ક્રિય

વેરા વસુલાતમાં સખ્ત કાર્યવાહી, પણ તંત્રની સફાઈમાં બેદરકારી, ભાયલી ગામના રહીશોનો આક્રોશ

ભાયલીના રહીશો માટે સ્વચ્છ પાણી કે સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ અધૂરા સપના

વાલ્મિકી સમાજ અને લોકોએ પાલિકાને અલ્ટિમેટમ આપ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરા:;પાલિકામાં વોર્ડ નં. 10 ભાયલી ગામનો સમાવેશ થયા બાદ સફાઈ વ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પૂર્વ સરપંચ દર્પણ પટેલે કટાક્ષ કરતા જણાવ્યું કે, “વેરો વસૂલવામાં પાલિકા આગળ છે, પરંતુ સફાઈમાં અને ગટર વ્યવસ્થામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.”

તાજેતરમાં તિરંગા યાત્રા દરમિયાન રાજ્યના ગૃહમંત્રીના આગમન પ્રસંગે ભીડ એકત્ર કરવા માટે ભાયલી ગામમાંથી લોકોની જબરદસ્તી હાજરી સુનિશ્ચિત કરાવવામાં આવી હતી. દર્પણ પટેલે સવાલ ઉઠાવ્યો કે, “મોટા નેતાઓના આગમન સમયે રાતો-રાત રસ્તા અને અન્ય સુવિધાઓ ઉભી થઈ શકે છે, તો ટેક્સ ભરતી જનતાને વર્ષભર મૂળભૂત સુવિધા કેમ મળતી નથી?”

સ્થાનિકોની ફરિયાદ મુજબ, છેલ્લા લાંબા સમયથી વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની પાઈપ લાઈનમાં મિશ્ર થવાને કારણે પાણીમાંથી ભારે દુર્ગંધ આવે છે અને સ્વચ્છ પાણી માટે લોકોને ખાનગી રીતે કેન મંગાવવી પડે છે. સમગ્ર વિસ્તારમાં ફેલાયેલ ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, જે આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહ્યો છે.

દર્પણ પટેલે ચેતવણી આપી છે કે જો પાલિકા અને સ્થાનિક નેતાઓ તાત્કાલિક પગલાં નહીં ભરે તો વાલ્મિકી સમાજ સહિત વિસ્તારના લોકો ભેગા થઈ ઉગ્ર આંદોલન હાથ ધરશે.
સ્થાનિક જનતાનો સ્પષ્ટ આક્ષેપ છે કે રોજબરોજની તકલીફો અંગે પાલિકા બેદરકાર છે, જ્યારે મોટા નેતાઓના કાર્યક્રમોમાં જ વિકાસના કામો ઝડપભેર પૂરાં કરવામાં આવે છે.

Most Popular

To Top