Vadodara

ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!

વડોદરામાં 200થી વધુ આંગણવાડીઓ હજુ ભાડાના મકાનોમાં; કરોડોના ખર્ચ છતાં કાયમી ઉકેલનો અભાવ, બાળકો અને કર્મચારીઓ પરેશાન.

વડોદરા : મહાનગરપાલિકા સંચાલિત ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS) પ્રોજેક્ટ હેઠળ ચાલતી આંગણવાડીઓનો મોટો હિસ્સો હજુ પણ ભાડાના મકાનોના સહારે ચાલી રહ્યો છે. શહેરની કુલ 439 આંગણવાડીઓમાંથી લગભગ 200 જેટલી આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલી રહી છે, જેના કારણે પાલિકાના તંત્ર પર દર મહિને લાખો રૂપિયાનો બોજ પડી રહ્યો છે.

આ આંગણવાડીઓના ભાડા પાછળ પાલિકા દ્વારા દર મહિને રૂપિયા 6 થી 7 લાખ જેટલો માતબર ખર્ચ કરવામાં આવે છે. આ રકમ વાર્ષિક ધોરણે રૂપિયા 1 કરોડની નજીક પહોંચી જાય છે. આટલો મોટો ખર્ચ કર્યા હોવા છતાં, પાલિકા દ્વારા આ આંગણવાડીઓ માટે કાયમી ઇમારતો બનાવવાના પગલાં લેવાયા નથી. વર્ષોથી આ સ્થિતિ યથાવત છે અને પાલિકા કાયમી માળખું ઊભું કરવામાં કોઈ રસ દાખવતી હોય તેવું જણાતું નથી.
ભાડાના મકાનોમાં આંગણવાડી ચલાવવાથી માત્ર તંત્રને જ આર્થિક બોજ નથી પડતો, પરંતુ આંગણવાડીના કર્મચારીઓ અને નાના ભૂલકાંઓ માટે પણ અનેક મુશ્કેલીઓ સર્જાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના દરેક વોર્ડમાં પાલિકાના પ્લોટ ઉપલબ્ધ છે. તેમ છતાં, આંગણવાડીઓ માટે આ પ્લોટ ફાળવવામાં પાલિકાના અધિકારીઓને રસ જણાતો નથી. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અધિકારીઓને પોતાના પાર્કિંગ માટે પ્લોટ મળી શકે છે, પરંતુ બાળ કલ્યાણના મહત્વપૂર્ણ કાર્ય માટે આંગણવાડીઓને પ્લોટ મળતા નથી.

આશ્ચર્યની વાત એ છે કે, જે કેટલીક જગ્યાએ પ્લોટ મળ્યા અને રૂ. 3 લાખથી વધુના ખર્ચે બાંધકામ થયું, તેવી કેટલીક આંગણવાડીઓ પણ વર્ષોથી બંધ અવસ્થામાં પડી છે. એક તરફ કરોડોનું ભાડું ચૂકવાય છે અને બીજી તરફ તૈયાર માળખાંનો ઉપયોગ થતો નથી, આ વિસંગતતા પાલિકાના બેદરકાર વહીવટ તરફ ઈશારો કરે છે.
સમગ્ર મામલે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાળકોના ભવિષ્ય અને કરોડો રૂપિયાના સરકારી ખર્ચને ધ્યાનમાં રાખીને, ભાડાના મકાનોમાંથી આંગણવાડીઓને કાયમી અને યોગ્ય માળખામાં સ્થાનાંતરિત કરવા તાત્કાલિક પગલાં લેવા તે સમયની માંગ છે.

જ્યારે પણ મકાનમાલિકો કોઈ સંજોગોમાં મકાન ખાલી કરાવે છે, ત્યારે આંગણવાડીના કર્મચારીઓને નવી જગ્યા શોધવાની જવાબદારી સોંપવામાં આવે છે. આ કામગીરી તેમના મૂળભૂત કામકાજમાં અવરોધરૂપ બને છે.
વારંવાર સ્થળ બદલાવવાથી બાળકોના શિક્ષણ અને સંભાળની પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચે છે.

Most Popular

To Top