સંગઠનમાં નવી ઊર્જા ફૂંકવા હાઈકમાન્ડનો માસ્ટરપ્લાન; શિક્ષિત યુવાનો અને મહિલા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાશે
વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવા છતાં, ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી. આ પાછળનું મુખ્ય કારણ પાર્ટી દ્વારા કરવામાં આવેલો મોટો વ્યૂહાત્મક ફેરફાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે 80:20 નો ફોર્મ્યુલા અપનાવી રહ્યું છે, જેના કારણે સંગઠનના અનેક જૂના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પાર્ટીના ઉચ્ચ સ્તરીય સૂત્રો મુજબ, આ વખતે 80 ટકા જેટલી ટિકિટો નવા ચહેરાઓ, ઉચ્ચ શિક્ષિત યુવાનો અને મહિલાઓને ફાળવવામાં આવશે. જ્યારે બાકીની 20 ટકા ટિકિટો જ વર્તમાન કોર્પોરેટરો કે જૂના નેતાઓને તેમના કાર્ય અને લોકપ્રિયતાના આધારે આપવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો અને એન્ટી-ઈન્કમ્બન્સી ને ખાળવાનો છે.
ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની બેઠકો માટે ભાજપ દ્વારા કડક ફિલ્ટરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કોઈપણ નેતાના સંતાન કે પરિવારજનને માત્ર ઓળખાણ કે વારસાના આધારે ટિકિટ આપવામાં આવશે નહીં. વડોદરામાં જે નેતાઓએ અન્ય પક્ષો છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, તેમના માટે પણ ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે. માત્ર એવા જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા હોય અને જેમની છબી બેદાગ હોય.
પક્ષ પાસે આ ચૂંટણી માટે અંદાજે 50 હજાર જેટલી દાવેદારીઓ આવી છે. આ વિશાળ સંખ્યામાંથી યોગ્ય રત્નો શોધવા માટે ભાજપે આંતરિક ફીડબેક સિસ્ટમ અને ત્રિસ્તરીય સ્ક્રિનિંગ પ્રક્રિયાનો સહારો લીધો છે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું છે.
યુવા અને મહિલા શક્તિ પર ફોકસ
ભાજપ આ વખતે માત્ર ચૂંટણી જીતવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યનું નેતૃત્વ તૈયાર કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. વડોદરા જેવા શિક્ષિત અને જાગૃત મતદારો ધરાવતા શહેરોમાં ક્લીન ઈમેજ અને પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને આગળ કરી પક્ષ મતદારોનો વિશ્વાસ જીતવા માંગે છે. આ નવી રણનીતિથી આંતરિક અસંતોષ ઊભો ન થાય તે માટે પણ સંગઠન સતર્ક છે.