એકબીજા સામે દાંતિયા કરતા મેયર, ચેરમેને હસતા મોઢે ફોટા પડાવ્યા
વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મેયર પદાધિકારીઓ સાથે સ્થળ મુલાકાતે પહોંચ્યા
વડોદરા મહાનગરપાલિકામાં આંતરિક જૂથબંધી છેલ્લા કેટલાય દિવસથી ચાલતી હતી. જેના કારણે વડોદરા ભાજપની બદનામી થઈ રહી હતી. કેટલાક કાઉન્સિલરોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે ન બને તો કેટલાક ને કમિશનર સાથે ના બને. હાલમાં જ મેયર, સ્થાયી ચેરમેન અને કમિશનરને એકબીજા વચ્ચે સંકલનનો અભાવ અથવા પોતાના પદનું અભિમાન નડતું હતું. જેના કારણે પ્રમુખ જયપ્રકાશ સોનીએ આકરું વલણ અપનાવી માપમાં રહેવા સૌને સમજાવી દેતા મેયર તમામ પદાધિકારીઓ અને કમિશ્નર સાથે વિશ્વામિત્રી નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને હસતા મોઢે જાણે કશું થયું જ ના હોય તેવો દેખાવ કર્યો હતો.
બે દિવસ અગાઉ વિશ્વામિત્રીનું કામ કેટલે પહોંચ્યું તે બાબતે મેયર પિન્કીબેન સોનીએ 11 વાગે કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન , અધિકારીઓ અને કાઉન્સિલરોને નિરીક્ષણ કરવા માટે પહોંચવા જણાવ્યું હતું. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર મેયરે જણાવેલા સમયથી પહેલા નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ મેયર સાથે કાઉન્સિલર વિશ્વામિત્રી નદી કિનારે નિરીક્ષણ કરવા માટે આવ્યા તે સમયે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારથી જ મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન સાથે મેયર પિન્કીબેન સોનીનો ઈગો હર્ટ થયો હોય તેમ દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ તો અખબારોમાં હેડલાઈન બની આ સમાચાર વાયુ વેગે વડોદરા સહિત ગુજરાત રાજ્યમાં ફેલાયો હતો. જેને લઈને મેયર પિન્કીબેન સોનીએ ચોખવટ પણ કરી હતી કે કમિશનરને મારી સાથે વાત કરવામાં કોઈ તકલીફ હોઈ શકે છે પરંતુ એક મેયરની ગરિમા મ્યુનિસિપલ કમિશનરે ન જાળવી તેનું મને દુઃખ છે.
આ વિવાદ બાદ નવનીત વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ આખો મામલો પોતાના હાથમાં લઈ મેયર પિન્કીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત પદાધિકારીઓને વડોદરા કમલમ ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને એક પછી એક મુલાકાત કર્યા બાદ સાનમાં સમજાવી દેવાયું હતું કે સાનમાં સમજો તો સારું નહીં તો પાર્ટી પાસે ઘણા વિકલ્પો છે.
આથી શનિવારે સવારથી જ વિશ્વામિત્રી કાંઠે ચાલી રહેલા કામકાજ માટે નિરીક્ષણ કરવા માટે મેયર પિન્કીબેન સાથે મ્યુનિસિપલ કમિશનર રાણા, ચેરમેન શીતલ મિસ્ત્રી અને કાઉન્સિલરોને અધિકારીઓ પહોંચ્યા હતા અને તમામના મોઢા પર સ્નેહ દેખાયો હતો.
આ સમાધાન છે કે માટે દેખાડો એ કેટલો સમય ચાલશે એ તો આગામી સમયમાં જ ખબર પડી જશે
ઉલ્લેખનીય છે કે ક્લાલી સ્મશાનની બાજુમાં વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરવાનું કામકાજ જેસીબી મશીનના સહારે ચાલી રહ્યું છે. જ્યાં જળચર મગર, કાચબા જેવા જળચરોને નુકસાન ન થાય તથા કામગીરીમાં કોઈ ઓટ ન આવે તેમ જ માટી ખોદાણ અને નદીની ઊંડાઈ તથા પહોળાઈ યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ તેનું નિરીક્ષણ સૌએ સાથે મળીને કર્યું હતું તથા આ બાબતે જરૂરી સૂચનો એકબીજાએ કર્યા હતા. હવે આ હમ સાથ સાથ હૈ વાળો અભિનય કેટલા સમય સુધી ચાલશે તે થોડા દિવસોમાં ખબર પડી જશે.
