Vadodara

ભાજપ પ્રમુખના નામની જાહેરાત માટે ગણાતી ઘડીઓ

વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારોથી લોબિંગ ગરમાયું

પ્રમુખ પદ માટે અનેક દાવેદારો મેદાનમાં, નિર્ણય ગમે ત્યારે આવી શકે

વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે હવે ભાજપ દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 40 થી વધુ દાવેદારો મેદાનમાં છે. વર્તમાન શહેર પ્રમુખ ડૉ. વિજય શાહે ફરી એકવાર દાવેદારી નોંધાવી છે, પરંતુ તેમની સામે પક્ષના જ કેટલાક સિનિયર નેતાઓએ લોબિંગ શરૂ કરી છે. સાથે જ એક મહિલા નેતાનું નામ પણ ચર્ચામાં છે, જેમણે પોતાના માનીતા ઉમેદવારને પ્રમુખ બનાવવા માટે તમામ મથામણ શરૂ કરી છે. તો બીજી તરફ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પણ વર્તમાન પ્રમુખ ફરી પ્રમુખ ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરતી એક તસવીર ફેસબુક પર શેર કરી હતી.

જિલ્લા પ્રમુખ પદ માટે 50 થી વધુ દાવેદારોના નામ ચર્ચામાં છે. વર્તમાન પ્રમુખ સતિષ પટેલે ફરી દાવેદારી નોંધાવી છે, પરંતુ તેમની સામે પણ તાજેતરમાં એક પૂર્વ મહિલા પ્રભારીએ સતિષ પટેલ વિરુદ્ધ આક્ષેપો મૂકતો એક વિડિયો ફેસબુક પર શેર કર્યો હતો, જે ઝડપથી વાયરલ થયો અને ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો લાવ્યો.

ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ ભરનારા ઉમેદવારોથી આગળ પણ કેટલાક નવા નામો પસંદ થઈ શકે છે. આ નિવેદન બાદ શહેર પ્રમુખ પદ માટે નવા અનુમાનો શરૂ થયા.

વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે અનેક જૂથો સક્રિય થઈ ગયા છે. અંતે કઈ દિશામાં નિર્ણય જશે અને કોના નામ પર અંતિમ મંજૂરી મળશે તે જોવાનું રસપ્રદ રહેશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રાખે છે, અને આ વખતે પણ ચયન પ્રક્રિયામાં અંતિમ ક્ષણ સુધી ઉથલપાથલ ચાલુ રહેશે.

મહામંત્રી કોણ બનશે તે અંગે પણ અટકળો
શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક વચ્ચે હવે મહામંત્રીઓ માટેની ચર્ચાઓ પણ તેજ બની છે. શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂકની સાથે સાથે હવે પાર્ટી બે મહામંત્રીઓની નિમણુક કરવાનું પણ વિચારી રહી છે. ભાજપની સંભાવિત જાહેરાતમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રમુખ કે મહામંત્રીનો હોદ્દો નહીં આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ નિર્ણય શહેર-જિલ્લા રાજકારણમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે. નવી યાદી જાહેર થતાં, ભાજપના સંચાલન અને સંગઠન પર અસર ચોક્કસ જોવા મળશે.


કોનો પતંગ ચગશે, કોનો કપાશે?


હાલમાં, શહેર પ્રમુખ કોણ બનશે તે અંગે કોઈ એક નામ પર સહમતી થઈ નથી. શહેર ભાજપ પ્રમુખ પદ માટે રસ ધરાવતા દરેક દાવેદારોએ પોતાનું પાવર પ્રદર્શિત કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં એક તસ્વીર સોશિયલ મીડિયામાં વધુ રસપ્રદ બની છે. આ તસ્વીરમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી અને વર્તમાન શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ સાથે પતંગ ચગાવતાં નજરે પડ્યા છે.

Most Popular

To Top