જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપ, ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજીમાં ખસેડાયા, સામાન લેવા માટે જતા થયેલી બબાલ
વડોદરા તારીખ 27
વડોદરા જિલ્લાના કરજણ ખાતે રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગુંડાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ‘ભાજપ નેતા’ ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર પર સિક્યુરિટી જવાન પર હુમલો કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, કલ્પેશ ડાંગર પોતાના સિક્યુરિટી ગાર્ડ સાથે કંપનીમાં માલ લેવા પહોંચ્યા હતા. પરંતુ સિક્યુરિટી જવાન દ્વારા માલ આપવાનો ઇનકાર કરાતા બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર બની મારામારી સુધી પહોંચી ગઈ હતી. ડાંગરે ધારિયા વડે સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેણે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું પરંતુ બાદમાં સામે આવ્યું કે તેણે માત્ર બંદૂક તાકી હતી, ફાયરિંગ કરવામાં આવ્યું નહોતું.
આ હુમલામાં સિક્યુરિટી જવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ હાજર હોવા છતાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઇ હોય તેવું સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી.