ઉપપ્રમુખથી લઈને મોરચા પ્રમુખો સુધી નવી જવાબદારીઓ સોંપાઈ
વડોદરા, તા.27
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન મજબૂત કરવાના હેતુથી વિવિધ પદાધિકારીઓની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર જાહેર કરાયેલ આ યાદીમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપાઈ છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને પ્રદેશમાં ઉપપ્રમુખ બનાવાયા છે.
પ્રદેશ કક્ષાએ જાહેર કરાયેલા સંગઠનાત્મક નિમણૂક પત્ર મુજબ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ, પ્રદેશ સંગઠનમાં કાર્યરત મહામંત્રીઓ, મંત્રીઓ અને કોષાધ્યક્ષોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત યુવા મોરચા, મહિલા મોરચા, ઓબીસી મોરચા, એસસી-એસટી મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખોની પણ નિમણૂક જાહેર કરવામાં આવી છે.
પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નવા પદાધિકારીઓને સંગઠન મજબૂત બનાવવાની, જનસંપર્ક વધારવાની અને આવનારા રાજકીય પડકારો માટે પાર્ટીને સજ્જ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ પ્રદેશ સંગઠનની આ નવી ટીમ આગામી દિવસોમાં રાજ્યભરમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ ગતિ આપશે તેમજ પાર્ટીના વિચારધારા અને કાર્યક્રમોને ઘરઘર સુધી પહોંચાડવા સક્રિય ભૂમિકા ભજવશે—એવું પાર્ટીના સૂત્રોનું કહેવું છે.