Vadodara

ભાજપની સંકલન બેઠકમાં સફાઈ વેરાનો વધારો પરત લેવાની શક્યતા

ગત વર્ષે પણ કરમાં વધારો કરાયા બાદમાં પરત લેવાયો.હતો

સફાઈ વેરામાં બમણો વધારો, ચૂંટણી પહેલાં શાસકો માટે પડકાર



વર્ષ 2025-26 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયા બાદ શહેરના નાગરિકો અને કરદાતાઓમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને સફાઈ વેરામાં બમણો વધારો કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ઓગસ્ટમાં આવેલા પુરમાં નાગરિકોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું, અને તે સમયે સરકાર દ્વારા સહાયની મોટી જાહેરાતો કરાઈ હતી. હવે, જ્યારે નાગરિકો હજુ પણ પુરની પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે આટલો મોટો કર વધારો તેમને વધુ તકલીફમાં મુકી શકે છે.

ડ્રાફ્ટ બજેટ રજૂ થયા પછી મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની અનેક બેઠકો યોજાઈ રહી છે. ખાસ કરીને સફાઈ વેરામાં થયેલા આ વધારાને લઈને નેતાઓ અને પાલિકાના સભ્યો વચ્ચે ગંભીર ચર્ચા થઈ રહી છે. ગત વર્ષે પણ જ્યારે ડ્રાફ્ટ બજેટમાં કર દરમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે પણ સ્થાયી સમિતિમાં ચર્ચાઓ પછી પાલિકાએ નિર્ણય પરત લીધો હતો. આ વર્ષ પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે, સત્તાપક્ષ કોઈ પણ એવા નિર્ણયો લેવાનું ટાળવા ઈચ્છે છે જેનાથી નાગરિકો અસંતોષ અનુભવે. રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણી પૂર્વે કર વધારાનો નિર્ણય સત્તાધીશો માટે ઉલટો પડી શકે છે. વિશેષજ્ઞોના મતે, પાલિકા દ્વારા કરદાતાઓ પર વધારાનો બોજ મૂકવાની આ વ્યવસ્થા નાગરિકો માટે મોંઘી પડી શકે છે. જો વેરો પરત નહીં લેવાય, તો સત્તાપક્ષને આગામી ચૂંટણીમાં નાગરિકોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

શનિવારે સાંજે સત્તા પક્ષની સંકલન બેઠક યોજાવાની છે, અને રાજકીય માહોલ જોતા, આશા છે કે સફાઈ વેરાના વધારાને પરત લેવાનો નિર્ણય લેવાશે. અત્રે નોંધનીય છે કે, શહેરના ઘણા વિસ્તારોમાં પહેલેથી જ સફાઈની સમસ્યા ઊભી છે. નાગરિકો માટે વધારાનો વેરો આપવો મુશ્કેલ છે, અને આ મુદ્દે વિપક્ષ દ્વારા પણ સત્તાપક્ષને ઘેરવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

હવે જોવાનું એ રહેશે કે શનિવારની બેઠકમાં શુ નિર્ણય લેવાય છે. જો સત્તાપક્ષ વેરો પરત લે છે, તો તે નાગરિકો માટે રાહતના સમાચાર હશે.

Most Popular

To Top