Vadodara

ભાજપના 30 વર્ષના શાસન પછી પણ શહેરના પ્રશ્નો યથાવત્! :અમીબેન રાવત

વડોદરા કોર્પોરેશનનું 2024-25 બજેટ ચૂંટણીલક્ષી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2024-25 વર્ષનું બજેટ જાહેર થયું છે, જેની સામે પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતે આકરા પ્રહારો કર્યા છે. તેમણે બજેટને “અણઘડ અને ચૂંટણીલક્ષી” ગણાવીને સવાલ ઉઠાવ્યા કે શહેરમાં પૂર જેવા વિનાશક બનાવો પછી પણ દુરદર્શી આયોજન કેમ નથી? વર્ષ 2024માં માત્ર બે મહિનામાં વડોદરાએ ત્રણ ભયંકર પૂર જોયા, જેના કારણે શહેરને 25,000 કરોડથી વધુનું નુકસાન થયું. છતાં, સરકારે પૂર રાહત માટે કેટલા નાણા ફાળવ્યા? વહીવટમાં કઈ સિસ્ટમિક સુધારાઓ કર્યા? વધુમાં અમી રાવતેએ કોપોરેશન સામે 12 મોટા સવાલો ઉઠાવ્યા, જેમાં ખાસ કરીને પૂર રાહત માટે સરકાર પાસેથી મેળવેલા નાણાંના હિસાબ અંગે શંકા વ્યક્ત કરી હતી. વડોદરાને પૂરની સમસ્યાથી કાયમી મુક્ત કરવા સરકાર પાસે કેટલા નાણાંની માંગણી થઈ? એ પણ સ્પષ્ટ થયું નથી, તેમ તેમણે સવાલ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું, વર્ષ 2016ના બજેટમાં વડોદરાને સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત થઈ, વર્ષ 2017માં “એકશન 2020”, વર્ષ 2018-19માં “ન્યુ વડોદરા” અને વર્ષ 2022 સુધી “24×7 પાણી પુરવઠો” જેવા વિવિધ પ્રોજેક્ટ્સના દાવા થયા, પણ એક પણ પ્રોજેક્ટ પૂર્ણ ન થયાનો અમી રાવતે આરોપ લગાવ્યો હતો. વિશ્વામિત્રી નદી પુનઃજીવન, ગંદા પાણીના નિકાલ, રખડતા ઢોરની સમસ્યા, રોડ-રસ્તાઓની હાલત, ડ્રેનેજ અને કચરા વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને નીતિગત અસફળતા સ્પષ્ટ છે. વડોદરાની પ્રજા રાજ્યમાં સૌથી વધુ વેરા ભરતી હોવા છતાં, ગુજરાતના અન્ય શહેરોની તુલનાએ સૌથી પછાત સ્થિતિમાં છે. આમ છતાં, 30 વર્ષથી ભાજપ શાસિત કોર્પોરેશન ચૂંટણીલક્ષી જાહેરાતો અને ખોટા વચનો આપવામાં આગળ છે.

Most Popular

To Top