મધ્ય ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક; બૂથ સ્તરની કામગીરીની ઝડપ વધારવા સૂચના
વડોદરા :;ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ મંગળવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડોદરા જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના પક્ષના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સંગઠનાત્મક કામગીરી, ખાસ કરીને ‘SIR’ ની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવાનો હતો.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને રાજ્ય સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના પક્ષના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાજર રહેલાઓમાં તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખો તેમજ વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોનો સમાવેશ થતો હતો.
આ બેઠકમાં મધ્ય ગુજરાતના દરેક જિલ્લાના અધ્યક્ષો, પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્યો, ‘SIR’ કામગીરીના જિલ્લા ઈનચાર્જ અને વિધાનસભાના પ્રભારીઓએ હાજરી આપી હતી.
આ બેઠક અંગે માહિતી આપતા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ બેઠક રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં મધ્ય ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને વિધાનસભા વિસ્તારોમાં ચાલી રહેલી બૂથ સ્તર પરની ‘SIR’ કામગીરી પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ મહત્વની કામગીરી ઝડપથી અને સમયસર પૂરી થાય તે પ્રકારની કામગીરીની ગતિ અને આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ક્યારેય માત્ર ચૂંટણીલક્ષી કામગીરી કરતી નથી. તેમણે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી સતત લોકોની વચ્ચે રહીને લોકોનો પ્રેમ સંપાદિત કરે છે. એટલા જ માટે ગુજરાતમાં ગુજરાત અને ભાજપ સિક્કાની બે બાજુ સમાન બની ગયા છે.” તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપને ચૂંટણી માટે કોઈ ખાસ કામગીરી કરવાની જરૂર પડતી નથી, પરંતુ જન સેવા માટે ભાજપ અવશ્ય કામગીરી કરે છે, અને આ સંગઠનાત્મક બેઠકો તેનો જ એક ભાગ છે.
– કોણ કપાશે અને કોણ ટકશે એની ગુપ્ત ચર્ચા…
સૂત્રોના જણાવ્યા અનુસાર ગત ચોમાસા દરમિયાન ત્રણ વાર શહેરમાં પૂર આવ્યું અને વડોદરા શહેરના નેતાઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો થી લોકો નારાજ થયા હતા તે પછી હાલના સ્થાનિક કાઉન્સિલરો ના વિસ્તારની પરિસ્થિતિ અને લોકો નો મિઝાઝ સાથે સાથે આવનારા મહાનગર પાલિકાના ઇલેકનમાં કોને જગ્યા મળશે અને કોને પડતા મૂકશે એ બાબતેની માહિતી પણ મેળવી હતી.