રત્નાકરની વડોદરા મુલાકાત બાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે રાજકીય સરગર્મી તેજ
તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી
ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા, જેને લઈને શહેર અને જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. સાંજે 4 વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રભારી ગોરધન ઝડફીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખો તેમજ સંગઠનના પદાધિકારીઓએ હાજરી આપી હતી.. રત્નાકરે તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને જિલ્લાના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠક મુખ્યત્વે તાલુકા પંચાયતોના નવા પ્રમુખો સાથે પરિચય બેઠક તરીકે ગોઠવાઈ હતી, પરંતુ તે સિવાય આગામી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. પ્રદેશ સંગઠન મહામંત્રીની આ મુલાકાત શહેર અને જિલ્લાની સંભાવિત રાજકીય સ્થિતિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પરિવર્તન થાય કે પુનરાવર્તન, એ બાબતે સૌ કોઈની નજર છે.

જિલ્લા ભાજપ પ્રમુખ પદની જાહેરાત હજી સુધી થઈ નથી, ત્યારે રત્નાકરની આ મુલાકાત રાજકીય રીતે મહત્વની માનવામાં આવી રહી છે. વડોદરા શહેર પ્રમુખની નિમણૂક થયા બાદ જિલ્લા ભાજપના એક જૂથે પ્રદેશ મહામંત્રીને મુલાકાત લીધી હતી. હવે, રત્નાકરની અચાનક વડોદરા મુલાકાત બાદ જિલ્લામાં ભવિષ્યમાં પરિવર્તન થાય છે કે નહીં, એ દિશામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
