Vadodara

વડોદરા મનપામાં દુર્ગંધ નાશક દવાના ટેન્ડર પર શંકાની સોય

ભાજપના પૂર્વ હોદ્દેદારની સંડોવણીનો આક્ષેપ

રાજકીય જોડાણ અને ગોઠવણના આક્ષેપોથી ટેન્ડર વિવાદમાં

વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા માટે દુર્ગંધ નાશક દવા ખરીદવા નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવી ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત મોનીકેમ કંપનીને કુલ 2.17 કરોડના ભાવે દવાની ખરીદી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે. આ દર અગાઉના સૌથી ઓછી કીમત આપનારની તુલનામાં 1.75% વધુ છે.

પાછલા બે વર્ષમાં દવાની ખરીદીની વાત કરવામાં આવે તો, જૂન 2023માં 1 કરોડ, માર્ચ 2024માં 1 કરોડ 14 લાખ અને ઓક્ટોબર 2024માં 85 લાખ 50 હજારની ખરીદી કરવામાં આવી હતી. આ અગાઉ આ દવા 285 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મિનીટેક કંપની પાસેથી ખરીદવામાં આવી હતી. પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયામાં મોનીકેમ કંપની પાસેથી 290 રૂપિયા પ્રતિ લીટરના દરે દવા ખરીદવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

સૂત્રો મુજબ, ટેન્ડર પ્રક્રિયામાં જોડાયેલા ત્રણ ઈજારદારોમાંથી એકમાં ભાજપના પૂર્વ યુવા મોરચાના હોદ્દેદાર શામેલ છે. તેઓ કથિત રીતે મિડિયેટર તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક મહાનગરપાલિકા અધિકારીઓ પણ તેમની સાથે સંકળાયેલા હોવાની ચર્ચા છે. વિભાગના સૂત્રો અનુસાર, છેલ્લા 12 વર્ષથી આંગળીના વેઢે ગણાય એટલા જ ઈજારદાર આ ટેન્ડર માટે ભાગ લઇ રહ્યા છે. આથી, પહેલેથી જ ઇજારદારો અને વિભાગના અધિકારીઓ અંદરો અંદર ગોઠવણ કરી ટેન્ડર પ્રક્રિયામાં જોડાતા હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે. તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે આ ટેન્ડર ખરીદીમાં સત્તાધીશોની સંડોવણી છે કે નહીં. પરંતુ હાલ વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના ઓર્ડર પર વિવાદ ઊભો થયો છે.

Most Popular

To Top