Vadodara

ભાજપના જ કાર્યકરે ભાજપના મહિલા કોર્પોરેટરને સ્ટેજ પરથી ધક્કો મારી નીચે ઉતારી દીધા..

વડોદરા : મહિલા કોર્પોરેટર સાથે કાર્યકરે કરેલી ગેરવર્તણૂકની ભાજપ પ્રભારીને રજૂઆત…

ભાજપના કાર્યકર કરશન ભરવાડ સામે ચોક્કસથી સખ્ત પગલા લેવામાં આવશે તેવુ આશ્વાસન પાર્ટી તરફથી આપવામાં આવ્યું :

વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સમયે ભાજપના નેતાઓ પહોંચ્યાં ન હોવાથી હવે તેમને પ્રજાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્તો માટે રાહત સામગ્રીની કીટનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવા સમયે વોર્ડ નં-3 ના મહિલા કાઉન્સીલર રૂપલ મહેતાને પ્રજાના રોષનો નહીં પરંતુ ખુદ તેમની પાર્ટીના કાર્યકરના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વડોદરા શહેરના વોર્ડ-3માં પૂરગ્રસ્તો માટે ભાજપના નેતાઓ દ્વારા કીટ વિતરણનો કાર્યક્રમ રાખાવમાં આવ્યો હતો. સમા વિસ્તારમાં કીટ વિતરણ દરમિયાન ભાજપના સ્થાનિક કાર્યકર કરશન ભરવાડે કાઉન્સીલર રૂપલ મહેતાને સ્ટેજ પરથી ધક્કો મારી હાથ પકડી તેઓને નિચે ઉતારી દીધા હતા. આ ઘટના બનતા મહિલા કાઉન્સીલરને આઘાત લાગ્યો હતો. જેથી તેઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગોરધન ઝડફીયાને સમગ્ર બાબતની જાણ કરી હતી. આ સમયે ભાજપના સ્થાનિક નેતાઓ સહિત શહેરના હોદ્દેદારો અને ધારાસભ્ય પણ હાજર હતા. રૂપલ મહેતાએ સમગ્ર ઘટના વર્ણવી હતી અને કરશન ભરવાડ સામે ચોક્કસથી સખ્ત પગલા લેવામાં આવશે તેવુ આશ્વાસન પાર્ટી તરફથી આપવામાં આવ્યું હોવાનુ જણાવ્યું હતુ. કરશન ભરવાડ સમા વિસ્તારના રહેવાસી છે અને ભાજપના કારોબારી સભ્ય છે.
નગરસેવક રૂપલબેન ની ફરિયાદ બાદ વડોદરાના પ્રભારી ગોરઘન ઝડફીયાએ આ મામલે જણાવ્યું કે આ અમારી પાર્ટીનો વિષય છે. હું કંઇ નહી કહું. મેં તેમની વાત સાંભળી છે. પાર્ટીની વાત પાર્ટી પાસે આવી છે. પાર્ટી નિર્ણય લેશે. મેં બહેનને સારી રીતે સાંભળ્યા છે. બહેનને સંતોષ થાય તેવો નિર્ણય આવશે. આવું ન થવું જોઇએ. તે મારી બેન છે.

Most Popular

To Top