દંડકે પોતાના ઘર તરફનું કામ કરાવી લીધું, લોકોને લટકતા રાખ્યા
આઠ-આઠ મહિના થયા પરંતુ કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું

વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં શ્રેયસ સ્કૂલથી તુલસીધામ ચાર રસ્તા તરફનો ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ, ભાજપના જ આંતરિક ડખાના કારણે કામ અધૂરું રહેતા ગૌરવ પથનું ગૌરવ હણાયું છે.
માંજલપુર વિસ્તારના તુલસીધામથી રિલાયન્સ સર્કલ સુધીના સ્થાનિકો પાલિકા તંત્રના કામથી રોષે ભરાયા છે. આ રસ્તા પર આવેલી સોસાયટીના લોકોએ આજે એકત્રિત થઈ પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટર ઉપર ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓનું કહેવું છે જે કામ બે મહિનામાં પૂરું થઈ જવું જોઈએ તે અત્યારે આઠ-આઠ મહિના થયા પરંતુ પૂર્ણ કરવામાં નથી આવ્યું . જેના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. બ્લોક ઉખાડી નાખ્યા છે , પરંતુ આજ દિન સુધી નવા બ્લોક બેસાડવામાં નથી આવ્યા જેના કારણે રોડ પર નાખેલું મટીરીયલ લોકોની આંખોમાં ઉડે છે . પાઇપલાઇન નાખ્યા પછી એ જગ્યા પર ડામર પાથરવાની જગ્યાએ કેવું મટીરીયલ નાખ્યું છે તે સમજાતું નથી. અવરજવર કરનાર વાહન ચાલકોને પણ ઘણી આપદા પડે છે. કેટલાક લોકો અધૂરા કામને કારણે રેતી અને માટીમાં પોતાનો વાહન ફસાઈ જતા રોડ પર પટકાયા છે. પાલિકાના દંડકે તેઓના ઘર તરફ તાત્કાલિક ધોરણે તો રોડ બનાવી દીધો છે પરંતુ આ વિસ્તારમાં રોડ આઠ મહિના થયા પરંતુ બ્લોક નાખી રોડ બનાવવાનું કામ હજુ અધૂરું છે.
થોડા મહિના પહેલા પેવર બ્લોક સાથેનો ફૂટપાથ મોટો બનાવાતા તેનો ઘારાસભ્ય દ્વારા વિરોધ કરાયો હતો. ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે પાલિકા દ્વારા 4 ફૂટના ફૂટપાથ સાથે રોડ બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા માંજલપુરના આ ગૌરવ પથ ના ફૂટપાથ 4 ફૂટથી મોટા બનાવવામાં આવનાર છે. ત્યારે આ ગૌરવ પથ વડોદરાને ગૌરવ અપાવશે? એવા અનેક સવાલો સ્થાનિકોમાં ઉભા થયા છે.