અમદાવાદને 4 અને સુરતને 3 સ્થાન મળ્યા, પણ સંસ્કારી નગરીના ફાળે ‘શૂન્ય’, સંગઠનમાં ભભૂકતો રોષ

(પ્રતિનિધિ), વડોદરા. તા.18
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નેતૃત્વમાં આગામી રણનીતિ માટે જાહેર કરાયેલી ‘પ્રદેશ સંકલન કોર ગ્રુપ’ની ટીમમાં વડોદરાની બાદબાકી થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષોથી ભાજપનો મજબૂત ગઢ ગણાતા વડોદરાને પ્રદેશ કક્ષાની આ મહત્વની ટીમમાં સ્થાન ન મળતા પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં આશ્ચર્ય સાથે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. નવી ટીમમાં જે પ્રકારે પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે તેના આંકડા વડોદરા માટે ચોંકાવનારા છે, કારણકે અમદાવાદ (શહેર-જિલ્લા) માંથી 4 સભ્યો, સુરત (શહેર-જિલ્લા) માંથી 3 સભ્યો, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર માંથી 1-1 સભ્યો ને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં વડોદરાના એક પણ નેતાનો સમાવેશ ન થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું વડોદરાનું સ્થાનિક નેતૃત્વ પ્રદેશ હાઈકમાન્ડ પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યું છે ? કે પછી જૂથવાદના કારણે વડોદરાને અન્યાય થયો છે ? કાર્યકરોમાં ગણગણાટ છે કે, ચૂંટણીઓમાં વડોદરા હંમેશા ભાજપને રેકોર્ડબ્રેક બહુમતી આપે છે, છતાં જ્યારે સત્તા કે સંગઠનમાં મહત્વના નિર્ણયો લેવાની વાત આવે ત્યારે વડોદરાને કેમ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે ? જે શહેર હંમેશા ભાજપની પડખે અડીખમ ઊભું રહ્યું છે, તેની સંકલન સમિતિમાં ગેરહાજરી એ કાર્યકરોનું મનોબળ તોડનારી ઘટના છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક વિખવાદો અને ‘પત્રિકા કાંડ’ જેવી ઘટનાઓએ કદાચ પ્રદેશ નેતૃત્વને નારાજ કર્યું હોય શકે. જોકે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને જે રીતે પ્રાધાન્ય મળ્યું છે, તેની સામે મધ્ય ગુજરાતના મુખ્ય કેન્દ્ર એવા વડોદરાની ઉપેક્ષા આવનારા સમયમાં પક્ષ માટે માથાનો દુખાવો બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે, આ અસંતોષને શાંત કરવા માટે આગામી સમયમાં વડોદરાને અન્ય કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે છે કે કેમ.