Vadodara

ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત

​યુવા કાર્યકરોને તક આપવા માટે લીધો ‘અડગ’ નિર્ણય; રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય

વડોદરા : મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર-3ના ભારતીય જનતા પાર્ટીના સીનિયર કોર્પોરેટર અને પક્ષના કારોબારી સભ્ય પરાક્રમસિંહ જાડેજાએ જાહેર કર્યું છે કે તેઓ આગામી પાલિકાની ચૂંટણી લડશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અન્ય કાર્યકરો અને યુવાનોને તક મળે તે હેતુથી તેમણે સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે.

જાડેજાએ કહ્યું કે, “પક્ષે અને ઈશ્વરે મને મારી લાયકાત કરતા ઘણું વધારે આપ્યું છે. હવે સમય આવ્યો છે કે હું પક્ષને વળતું આપું. જે કાર્યકરો છેલ્લા 20 વર્ષથી મને ખભા પર બેસાડીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે, હવે મારી જવાબદારી છે કે હું તેમને ખભા પર બેસાડીને આગળ લાવું”. તેમણે ચોમાસાના નવા પાણીનું ઉદાહરણ આપતા કહ્યું કે પક્ષની પ્રણાલી મુજબ નવા લોહીને તક મળવી જોઈએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો પક્ષ તેમને સાંસદ કે અન્ય કોઈ મોટા પદની ઓફર કરે તો શું? ત્યારે તેમણે મક્કમતાથી જવાબ આપ્યો હતો કે, “રાજપૂત હંમેશા પોતાના નિર્ણય પર અડગ હોય છે. મેં એકવાર નિર્ણય કરી લીધો છે કે મારે ચૂંટણી નથી લડવી, તો હું તેના પર અડગ રહીશ”. તેમણે વધુમાં ઉમેર્યું કે કાર્યકર કરતા મોટો કોઈ હોદ્દો નથી અને તેઓ આજીવન ભાજપના નિષ્ઠાવાન કાર્યકર તરીકે સેવા આપતા રહેશે.
પોતાના આ નિર્ણયને સમર્થન આપતા તેમણે પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જે રીતે જીતુભાઈએ ભૂતકાળમાં ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને યુવાનો માટે માર્ગ મોકળો કર્યો હતો, તેવી જ રીતે તેઓ પણ નવા ચહેરાઓને આગળ આવવા દેવા માંગે છે.
પરાક્રમસિંહ જાડેજાની આ જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં અને ખાસ કરીને વોર્ડ નંબર-૩માં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પક્ષ પાસે સક્ષમ ઉમેદવારોની લાંબી લાઈન છે અને તેમના ન લડવાથી કોઈ કામ અટકશે નહીં.

Most Popular

To Top