‘ઓબીસી’ કાર્ડ પર કોંગ્રેસનો જોરદાર પ્રહાર; ફોર્મ રદ કરવાની માંગ સાથે ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને-સામને

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગઇકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્રને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો તેમજ નેતાઓ આમને-સામને આવી જતાં મ્યુનિસિપલ કચેરીમાં તંગદિલીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, આગામી 26મી તારીખે યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા હતા. જ્યારે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી ત્યારે વોર્ડ નં. 6 ના ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂત દ્વારા રજૂ કરવામાં આવેલ ઓબીસી કેટેગરીના પ્રમાણપત્ર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષનો દાવો છે કે, આ જ્ઞાતિ માત્ર અન્ય પ્રદેશોમાં જ ઓબીસી કેટેગરીમાં આવે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચનાઓ છે કે આ જ્ઞાતિને ગુજરાતમાં ઓબીસી કેટેગરીનો લાભ મળી શકે નહીં. આ ટેકનિકલ મુદ્દાને આગળ ધરીને કોંગ્રેસ દ્વારા રણજીત રાજપૂતનું ઉમેદવારી ફોર્મ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
બીજી તરફ, ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, તેઓ 1999 થી 2004 સુધી કોલેજ કાળ દરમિયાન એલ.સી. માં ભલે જનરલ કેટેગરીમાં રહ્યા હોય, પરંતુ હાલના નિયમો મુજબ તેમની પાસે માન્ય પ્રમાણપત્રો છે.
ફોર્મ સ્વીકારવા કે રદ કરવા બાબતે બંને પક્ષો વચ્ચે કલાકો સુધી દલીલો ચાલી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષોએ સામસામે લેખિત રજૂઆતો કરી છે. આ વિવાદને કારણે હવે વોર્ડ નં. 6 ની બેઠક પર રાજકીય ગણિત બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ જાતિ પ્રમાણપત્રની માન્યતા બાબતે શું આખરી નિર્ણય લે છે.