Vadodara

ભાજપનાં કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી કિનારે બંગલાની બાજુમાં કરેલા દબાણો દૂર કર્યાં



વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ભારે રોષ છે. ત્યારે ભાજપ શહેર પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની શરૂઆત ભાજપના નેતાઓથી થશે. આ નિવેદન બાદ ભાજપના વોર્ડ નંબર 3 નાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા શહેરમાં ગત 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણ હોવાનું સામે આવ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો ભાજપ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી સામે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તેને દૂર કરવામાં આવશે, તેમણે એમ પણ કહ્યું હતું કે, તમે જેના નામ જોગ વાત કરી રહ્યા છો એ દબાણ પણ દૂર કરાશે. ડૉ. વિજય શાહના આ નિવેદન બાદ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવેલા દબાણો હવે દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.



શહેરના સમા હરણી લિંક રોડ પર વિશ્વામિત્રી નદી કિનારે ભાજપના વૉર્ડ-3 ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો આવેલો છે. જ્યાં વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ કરતા વધુ દબાણ કરવામાં આવ્યું હતું. જેની સામે ઘણી વખત સવાલો ઉભા થયા હતા. પરંતુ વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ હોય એમ કોઈ આ દબાણો દૂર કરવા અંગે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી.

પ્રસંગ આવતો હોવાથી સાફ સફાઇ શરૂ કરાવી છે: જાડેજા

પરાક્રમસિંહ જાડેજાએ ગુજરાતમિત્ર ને જણાવ્યું હતું કે મે કોઈ દબાણ કર્યું જ નથી. નદી કિનારાને સાફ રાખવા સિમેન્ટનો ઓટલો દબાણ ન કહેવાય. કોઈ દુકાન આગળ સફાઈ રહે તે માટે કોંક્રિટ કામ કરે તો દબાણ ન કહેવાય. મારા બંગલામાં કોઈ દબાણ નથી. ઘરે પ્રસંગ આવતો હોવાથી સાફ સફાઇ શરૂ કરાવી છે.

Most Popular

To Top