TP 24Bના 18 અને 24 મીટરના બે મહત્ત્વના રસ્તા ખૂલ્લા કરાયા બુલડોઝર ફર્યું
ગોકુળપુરા-રાયપુરા વચ્ચે દબાણ હટાવી ખેતરોના ઝાડી-ઝાખરા અને સેન્ટરિંગનો માલસામાન દૂર કરાયો; આગામી દિવસોમાં રસ્તા પાકા બનતા વાહનચાલકોને મોટી રાહત થશે

વડોદરા શહેરના ઝડપથી વિકસતા દક્ષિણ છેવાડાના વિસ્તાર ભાઈલીમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાઈલીના ગોકુળપુરા અને રાયપુરા વચ્ચે આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ 24બી (TP 24B) હેઠળના 18 મીટર અને 24 મીટરના બે મુખ્ય રસ્તાઓને ખૂલ્લા કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી.

વાહન વ્યવહારમાં થઈ રહેલા ભારે વધારાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્રએ આ આયોજિત રસ્તાઓને તાત્કાલિક ખૂલ્લા કરવાનો નિર્ણય કર્યો હતો. આ કામગીરીને પાર પાડવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ સક્રિય બની હતી.
આજે દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફની હાજરીમાં ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં આ રસ્તાઓના માર્ગમાં આવતા ખેતરોના ઝાડી-ઝાખરા અને રસ્તા પર પડેલો સેન્ટરિંગનો માલ સામાન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બુલડોઝરની મદદથી ઝાડી-ઝાખરાઓનો સફાયો કરવામાં આવ્યો હતો અને અન્ય માલસામાનને ખસેડીને બંને રસ્તાઓને અવરજવર માટે ખૂલ્લા કરી દેવાયા હતા. આ કાર્યવાહી દરમિયાન નિયમભંગ કરી પડેલો કેટલોક માલ સામાન તંત્ર દ્વારા કબજે પણ લેવામાં આવ્યો હતો.
હાલમાં ખૂલ્લા કરાયેલા આ રસ્તાઓ કાચા છે, પરંતુ પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ રસ્તાઓ પર ડામર કાર્પેટિંગ કરીને તેમને પાકા બનાવવામાં આવશે. આ રસ્તાઓ પાકા બનવાથી ગોકુળપુરા, રાયપુરા અને ભાઈલીના અન્ય આસપાસના વિસ્તારોના હજારો વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે અને ટ્રાફિકની ગતિમાં સુધારો થશે. ભવિષ્યના આયોજન મુજબ રસ્તાઓ ખુલ્લા થવાથી ભાઈલીનો વિકાસ વધુ ગતિ પકડશે.