વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૌથી મોટું જંગલ લેટિન અમેરિકા સ્થિત એમેઝોન નદીનું જંગલ છે. આ જંગલનો 65 ટકા જેટલો હિસ્સો બ્રાઝિલમાં પડે છે. એમ મનાય છે કે એમેઝોન એ જગતનાં ફેફસાં છે અને દૂષિત હવા અર્થાત્ કાર્બન ડાયોકસાઇડ પકડી લઇને જગતને શુધ્ધ પ્રાણવાયુ પૂરો પાડે છે. પણ હવે આ ફેફસાનું આરોગ્ય પણ જગતનાં લોકોએ મળીને બગાડી નાખ્યું છે. સિગારેટ અને ગુટખાનું અવિરત સેવન કરી, ખુદનું આરોગ્ય બગાડી નાખતી માનવજાત પાસેથી કોઇ મોટી અપેક્ષા રાખવી નિરર્થક છે, છતાં જે સમજદાર છે એમણે ચિંતા કરવાની જરૂર છે. પૃથ્વીના આરોગ્ય સાથે જ ભવિષ્યની પેઢીનું આરોગ્ય જોડાયેલું છે.
એક સમય, નજીકના ભવિષ્યમાં એવો આવવાનો છે કે લાખો, કરોડો રૂપિયાના આરોગ્ય વીમા ઉતરાવશો તો પણ આરોગ્ય બચાવી શકાશે નહીં. જો વીમો ઉતરાવવામાં સાવધાની રાખતા હો તો એ સાવધાની વધુ સસ્તી અને ટકાઉ છે જેમાં વૃક્ષોનું જતન કરવામાં આવે.હમણાં સુરત જિલ્લામાં સરકારી બાંધકામ માટે પીઢ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. આવી જડતા અને બેદરકારી બતાવે એવા અધિકારીઓને કાલસ વનમાંથી નીચેની પાયરી પર અવશ્ય પહોંચાડવા જોઇએ. પરંતુ બિલ્ડર માફિયા સરકારો ચલાવતા હોય ત્યારે રેતીખનન અને વૃક્ષનિકંદન જાણે કે તેઓનો એકાધિકાર બની જાય છે.
સોસાયટીઓમાં લોકો પોતે કીડાઓ ઘરમાં આવી જાય છે તેવા ક્ષુલ્લક કારણસર વટવૃક્ષો કાપી નાખે છે અને ઇકોલોજી ખેદાનમેદાન કરી નાખે છે. તેઓને સમજાવટ અથવા દંડાત્મક કારવાઇ કરીને સમજાવવું પડશે કે, કીડાઓ છે તો પૃથ્વી પરનું આપણું જીવન શકય છે. એ કીડાઓ, વૃક્ષો, નદી, પર્વતો વગેરે મળીને આ પૃથ્વીને ટકાવી રાખે છે. પણ સરકારના માણસો અબુધ અને પૈસાની ભાષા બોલતા હોય ત્યાં સામાન્ય પ્રજાનું ભવિષ્ય દાવ પર લાગી જાય છે. તેમાંય પ્રજા અબુધ હોય તો પૃથ્વીને થતી હાનિ બેવડાઇ જાય છે અને તેને ‘લોકલાગણીનું સન્માન’ થતું ગણાવવામાં આવે.
એમેઝોનનાં જંગલો વરસે દોઢ અબજ ટન કાર્બન ડાયોકસાઇડનું શોષણ કરી લે છે. જગતની ફોસિલ ફયુએલ (પેટ્રોલિયમ, ગેસ, કોલસા વગેરે) આધારિત પ્રવૃત્તિઓએ પૃથ્વી પર કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ અનહદ વધાર્યું છે. જો એમેઝોનનું જંગલ ન હોત તો અત્યારે ખુલ્લી હવામાંથી પ્રાણવાયુ મેળવવાના ફાંફાં મારવા પડતાં હોત. ફોસિલ ફયુએલના વપરાશથી જે કાર્બન ડાયોકસાઇડ પેદા થાય છે તેના ચાર ટકાનું શોષણ અમેઝોનની વનસ્પતિના પાંદ કરી લે છે. હવે આ ફેફસાને ‘માનવજાત’ નામનું કેન્સર લાગુ પડયું છે અને ફેફસાં ખવાઇ રહ્યાં છે. તેમાંય બ્રાઝિલના શાસક તરીકે જે બોલ્સોનારો જેવો ગોરો શખ્સ આવ્યો છે, જે જંગલમાં વસતા કાળા બ્રાઝીલિયનોની જમીનના અને વન સંરક્ષણના અધિકારોની ઐસી તૈસી કરી રહ્યો છે. જંગલમાંથી એ વધુ અને વધુ જમીન મુકત કરાવીને ગોરાઓને આપવા માગે છે. બ્રાઝિલમાં મુખ્યત્વે સદીઓ અગાઉ પોર્ટુગલમાંથી જઇને વસેલાં ગોરાઓનું આધિપત્ય છે.
દર વરસે એમેઝોનના લગભગ સાડા સત્તર હજાર ચોરસ કિલોમીટર પ્રદેશનાં જંગલો કપાઇ રહ્યાં છે. એક કુવૈત જેવડા દેશના ક્ષેત્રફળની બરાબર. યાદ રહે કે મુંબઇ અને થાણે જિલ્લાનું ક્ષેત્રફળ સાડા સાતસો ચોરસ કિલોમીટર છે. તેનાથી અનેક ગણાં મોટા, લગભગ પચ્ચીસ ગણા મોટા વિસ્તારનાં જંગલો એક વરસમાં કાપી નાખવામાં આવે છે. જયાં સુધી માનવજાતની બેઠક નીચે બરાબર દઝાડે એવો રેલો નહીં આવે ત્યાં સુધી એનું ચેતનાતંત્ર પરિસ્થિતિની નોંધ લેશે નહીં. વધુ મુસીબત એ છે કે આ જંગલો સળગાવીને જમીન સાફ થાય છે ત્યારે હવામાં પ્રાણવાયુ બળીને કાર્બનવાયુનું પ્રમાણ અત્યંત વધી જાય છે. વધી રહેલી ગરમીએ આ સમસ્યા ખૂબ વિકરાળ બનાવી છે તેનો પુરાવો કેલિફોર્નિયા, અમેરિકાનાં જંગલો છે. જંગલો બળી જવાથી કાર્બન શોષવા માટેની કુદરતી વ્યવસ્થા કાયમ માટે બંધ પડી જાય છે. તેની ભરપાઇ થતાં વરસો લાગે અને તે પણ સક્રિય પ્રયત્નો કરવામાં આવે તો. માણસ ચરુના કે ગુલમોહરનાં એકસરખાં જંગલો ઉગાડી શકે, પણ કુદરતી જંગલોમાં હોય છે તેવી ઇકો સિસ્ટમ અને વૈવિધ્ય પેદા કરી શકતો નથી.
જંગલોના નાશથી માત્ર કાર્બન જ વધી પડતો નથી પણ પર્યાવરણનું ચક્ર પણ ખોરવાઇ જાય. એમેઝોનનાં જંગલોના નાશને કારણે હવામાં જે વધુ માત્રામાં નેટ ઓકસીજન ભળતો હતો તેના બદલે હવે નેટ કાર્બન વધુ ભળે છે. એ સમતુલા તો ખોરવાઇ જ ગઇ છે સાથે સાથે ઇકોસિસ્ટમને ટકાવી રાખે, તેને સંવર્ધિત કરે એ ભેજ પૂરતી માત્રામાં પેદા થતો અટકી જાય છે. ભેજ ઘટવાથી પણ વૃક્ષોનું પ્રમાણ ઘટે છે. પૃથ્વી અથવા ધરા માટે ફાયદાકારક હોય એવા જીવજંતુઓનું પ્રમાણ ઘટે છે. એક સમય એવો આવે છે કે જમીન સૂકી બનતી જાય.
ગરમ રહે અને વાદળો-વરસાદને આકર્ષી ન શકે. જયારે આપણે દુષ્ચક્ર ઘુમાવીએ ત્યારે તેનાં અનેક પરિણામો દૂષણની જેમ ફેલાઇ જાય છે. નેચર મેગેઝીનના એક લેખ મુજબ વરસ 2001 થી 2020 સુધીના વીસ વરસ દરમિયાન બ્રાઝિલનાં એમેઝોન જંગલોમાંથી દર વરસે એટલો વધારાનો કાર્બન હવામાં ભળ્યો હતો, જેટલો આર્જેન્ટિના અને પાકિસ્તાન, બંને દેશો મળીને હવામાં છોડે છે. એમેઝોનનાં જંગલોએ કાર્બન શોષી લીધા પછી અને પ્રાણવાયુ હવામાં છોડયા પછી જે કાર્બન હવામાં બચ્યો હતો તેનું આ પ્રમાણ છે. બીજો અર્થ એ કે જગતમાં માનવ વસતિનું પ્રમાણ અને પ્રવૃત્તિઓ એટલી હદે વધ્યાં છે અને જંગલો ઘટયાં છે તેથી જંગલો પણ હવે ઝેર અને અમૃત વચ્ચેની સમતુલા જાળવી રાખવા માટે સક્ષમ નથી રહ્યાં. કલ્પના કરો કે તમને આ ઉનાળામાં જેસલમેરના રણમાં ઊભા રાખવામાં આવે અને નર્મદા, તાપી, કાવેરી, ચન્દ્રભાગાના કાંઠે આવેલા એક લીલાછમ ગામમાં ઊભા રાખી દેવામાં આવે. તમે શું પસંદ કરશો તે કોઇ કોયડો નથી. પણ તમે આજે જે વિકલ્પ સ્વીકારશો તે તમારાં બાળકો પણ ભવિષ્યમાં સ્વીકારશે. તમે શું છોડી જવા માગો છો?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.