માતર તાલુકાના ભલાડા ગામ પાસેથી પસાર થતાં કાસમાં 20 ફુટનું ગાબડું પડ્યું
ખેડૂતોની બે હજાર વિઘા ડાંગર ડૂબ જવા છતાં વહીવટી તંત્ર કે કોઇ નેતા ન ફરકતાં રોષ
(પ્રતિનિધિ) માતર તા.30
માતર તાલુકાના ભલાડા ગામ પાસેથી પસાર થતાં કાસમાં 20 ફુટનું ગાબડું પડી ગયું હતું. જેના કારણે ધસમસતા વરસાદી પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યાં હતાં. આ પાણી આશરે બે હજાર વિઘા જમીનમાં ફરી વળ્યાં હતાં. જેના કારણે ડાંગરના પાકને ભારે નુકશાન થયું હતું. આ સ્થિતિમાં વહીવટી તંત્રના અધિકારી કે કોઇ નેતા ન ફરકતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. આ ઉપરાંત તાત્કાલિક વળતર ચુકવવા માગણી કરી હતી.
માતર તાલુકાના ભલાડાથી મઘરોલ, ડભોઇ થઇ પરીએજ કાસ પસાર થાય છે. આ કાંસમાં દર ચોમાસામાં ગાબડુ પડી જાય છે. આમ છતાં તંત્ર દ્વારા કોઇ પણ જાતની સાફ – સફાઇ કે મરામત કરવામાં ન આવતા આ સમસ્યા કાયમી બની ગઇ છે. આ વર્ષે પણ ભારે વરસાદના પગલે 20 ફુટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. જેના કારણે કાસના પાણી ખેતરમાં ઘુસી રહ્યા છે. આ ઘટના બની તેના ચાર દિવસ છતાં કોઇ અધિકારી કે નેતા ફરક્યાં નથી. બીજી તરફ ખેડૂતોની નજર સામે તેમનો ડાંગરનો પાક કહોવાઇ રહ્યો છે.
આ અંગે સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, ભલાડામાં છેલ્લા ચાર દિવસથી પડેલા ગાબડાના કારણે ગામના ખેડૂતોની અંદાજીત બે હજાર વિઘા ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યાં છે. આમ છતાં હજુ સુધી તંત્ર કે નેતા દ્વારા પણ આ બાબતે કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. હાલમાં અમારા ખેતરમાં પાંચ ફુટ જેટલા પાણી ભરાયેલા છે. આ પાણી નિકાલ નહીં થવાના કારણે સ્થિતિ વધુ કફોડી બની છે.
હાલમાં ભલાડાથી મઘરોલ રોડ પર 2 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. જેથી કરીને અમે ભારે મુશીબતનો સામનો કરી રહ્યા છે. આથી, અમને ખેતીમાં નુકશાનને પગલે તાત્કાલિક સર્વે કરાવીને કેશડોલ અને વળતર ચુકવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.