મે મહિનાની કાળઝાળ ગરમીમાં ‘ચોમાસા’ જેવો માહોલ


(પ્રતિનિધિ), વડોદરા. તા.21
વડોદરામાં એકતરફ કોર્પોરેશન ઉનાળામાં પાણી બચાવવાની ગુલબાંગો પોકારી રહ્યું છે, ત્યારે બીજી તરફ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી અને મેઈન્ટેનન્સના લીરેલીરા ઉડતા દ્રશ્યો મકરપુરા વિસ્તારમાં જોવા મળ્યા હતા. મકરપુરા મેન રોડ પર આવેલા હનુમાનજી મંદિર પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મસમોટું ભંગાણ સર્જાતા લાખો લિટર કિંમતી પાણી રસ્તાઓ પર વહી ગયું હતું. આ ભયાનક વેડફાટને કારણે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પણ મકરપુરા રોડ પર જાણે ચોમાસું બેઠું હોય અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શનિવારની વહેલી સવારે જ્યારે નોકરીયાત વર્ગ અને શ્રમિકો કામ પર નીકળ્યા હતા, ત્યારે અચાનક લાઈન ફાટતા પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જોતજોતામાં આખો માર્ગ ‘સ્વિમિંગ પૂલ’ બની ગયો હતો. હનુમાનજી મંદિરથી આગળના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. આ આકરા તાપમાં રસ્તા પર વહેતું પાણી જોઈને રાહદારીઓ અને સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીની લાઈન લીકેજ થવાને કારણે લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી જે લોકોના ઘરો સુધી પહોંચવું જોઈતું હતું, તે ગટરના કાંસમાં વહી ગયું હતું. એક બાજુ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણીના લો-પ્રેશરની ફરિયાદો ઉઠે છે, ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે હજારો પરિવારોનું પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. ઘટનાના કલાકો વીત્યા હોવા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો બંધ કરવાની કે રીપેરીંગ કરવાની તસ્દી લેવામાં ન આવતા લોકોમાં ‘સ્માર્ટ સિટી’ના વહીવટ સામે સવાલો ઉઠી રહ્યા છે. શું આ નુકસાનની ભરપાઈ ટેક્સ ભરતી જનતાના ખિસ્સામાંથી જ થશે ? તેવો સવાલ પણ બુદ્ધિજીવીઓ ઉઠાવી રહ્યા છે. તંત્રની આ ઘોર નિદ્રા ક્યારે ઉડશે અને જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ ? તે તો હવે સમય જ બતાવશે.