Bharuch

ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા

ભરૂચ: તા.7
‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ હેઠળ સક્રિય બનેલી ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ ટીમે ભરૂચના ચાવજ ગામની સીમમાં રેઇડ કરીને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ અને અફીણના જથ્થા સાથે રાજસ્થાનના 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે પોલીસે કુલ રૂપિયા 1,90,350/-નો મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓ જોધપુર, રાજસ્થાનના વતની છે અને તેઓ અન્ય એક વોન્ટેડ આરોપી પાસેથી જથ્થો લાવી છૂટક વેચાણ કરતા હતા.
ભરૂચ SOGને બાતમી મળી હતી કે, ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ ‘અનુજ રેસીડેન્સીના ફલેટ નંબર એ-304’માં ભાડે રહેતા શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઇ અને મહિપાલ કિશનારામ બિશ્નોઇ માદક કેફી પદાર્થનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન પોલીસે ઝડપાયેલા ત્રણ પૈકી શ્રવણકુમાર મનોહરરામ બકતારામ બિશ્નોઇ,મહિપાલ ક્રિષ્ણારામ ભગ્વાનારામ બિશ્નોઇ બંને રહે. જોધપુર, રાજસ્થાન અને પ્રદિપ રાજુરામ ભાકરરામ બિશ્નોઇ (રહે. ફલોદી, રાજસ્થાન) નામના 3 આરોપીઓને તેમના ભાડાના મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. આ ઇસમોએ આર્થિક લાભ માટે આ પ્રતિબંધિત કેફી પદાર્થો સંજય બિશ્નોઇ (રહે. લોહાવટ, જોધપુર, રાજસ્થાન) પાસેથી લાવી અન્યને વેચાણ કરવા માટે રાખ્યા હતા.
પોલીસે પકડાયેલ મુદ્દામાલમાં 35.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 1,05,810/-, 27.28 ગ્રામ ઓપીએટ એટલે કે અફીણ(કિંમત રૂ. 13,640/-, 5 મોબાઇલ ફોન કિંમત રૂ. 55,000/- અને રોકડા રૂ. 15,700/- સહિત કુલ રૂ. 1,90,350/-નો જથ્થો કબજે કર્યો છે.
આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભરૂચ શહેર “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985ની કલમ-8(સી), 22(બી), 18(સી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંજય બિશ્નોઇ (રહે. લોહાવટ, જોધપુર, રાજસ્થાન)ને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

Most Popular

To Top