Vadodara

ભરૂચ તરફથી આવતા એમપી પાસિંગના કન્ટેનર ચાલકે જણાવ્યું કે યુરિયા ખાતર છે, ખોલીને જોતા દારૂ-બિયરનો જથ્થો નીકળ્યો

ગ્રામ્ય એલસીબીની ટીમે બે કન્ટેનરમાંથી રૂ.1.13 કરોડનો દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો
ભરૂચ તરફથી રૂ.43.03 લાખનો દારૂનો જથ્થો ભરીને આવતા ચાલકની ધરપકડ કરાઇ
પાદરા ટાઉનમા ગોડાઉનમાં મુકેલા કન્ટેનરોમાંથી રૂ.70.86 લાખનો દારૂ ઝડપી પાડ્યો
પ્રતિનિધિ વડોદરા/ પાદરા તા.9
નેશનલ હાઈવે પરથી મોટાભાગે કન્ટેનરોમાં દારૂ ભરીને તેને હેરાફેરી થતી રહેતી હોય છે. ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ નેશનલ હાઇવે હાઇવે પર સતત રાખી પેટ્રોલિંગ કરતી હોય છે. દરમિયાન ભરૂચ તરફથી આવેલા કન્ટેનરને ભરથાણા ગામની સીમમાં ઊભું રખાવ્યું હતું. ચાલકને પૂછતા તેણે યુરિયા હોવાનું જણાવ્યું હતું પરંતુ દરવાજો ખોલી તપાસ કરતા કન્ટેનરમાંથી રૂ.43.03 લાખનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પાદરા ટાઉનના ગોડાઉનમાં મુકેલા કન્ટેનરમાંથી રૂ.70.86 લાખનો દારૂ ઝડપાયો હતો. જેથી પોલીસે બે જગ્યા પરથી 1.13 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ પાંચ વાહનો અને રોકડ રકમ સહિત રૂ.1.39 કરોડનો મુદ્દામાલ કબજે કરી કરજણ તથા પાદરા પોલીસને સોંપાયો છે.
તાજેતરમાં ગામે એલસીબી પોલીસે દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડી હતી. જેમાં એસએમસીના પોલીસ કર્મચારી સાજણ આહીર દ્વારા બૂટલેગર પાસેથી રૂ.15 લાખનો તોડ કરાયો હોવાની વિગતો બહાર આવતા તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો અને તેના વિરુદ્ધ ભેગો કરી દેવાયો હતો. છતાં દારૂની હેરાફેરી અટકી નથી.

8 ઓગસ્ટના રોજ ગ્રામ્ય એલસીબી પીઆઇ કે.આર.સિસોદીયાની સૂચના મુજબ સ્ટાફના કર્મચારીઓ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન એલસીબીની ટીમ ભરથાણા ગામની સીમમાં નેશનલ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ જવાની ટ્રેક ઉપર ટોલનાકા ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી હતી. દરમ્યાન ભરૂચ બાજુથી એમપી પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાની શંકા જતા તેને રોડની સાઇડમાં ઉભુ રખાવી તપાસ કરતા કન્ટેનરમાં ડ્રાઇવર એકલો જ હતો. જેથી ચાલક શિવકુમાર યાદવ (રહે.મધ્ય પ્રદેશ)નું હોવાનું જણાવ્યું હતું. ટ્રેલરમાં ભરેલા માલ બાબતે પૂછપરછ કરતા યુરીયા ખાતરનો જથ્થો ભરેલો હોવાનું જણાવ્યુ હતું. પરંતુ કન્ટેનરનો દરવાજો ખોલી તપાસ કરતા તેમાં પ્લાસ્ટીકની કોથળીઓમાં ખાખી પુઠ્ઠાના બોક્ષમાંથી વિદેશી દારૂ અને બીયરનો રૂ.43.03 લાખનો જથ્થો હતો. જેથી રોકડ રકમ, મોબાઈલ અને કન્ટેનર રૂ.10 લાખ તેમજ દારૂ બિયરનો જથ્થો મળી રૂ.53.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. શિવકુમાર યાદવની વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવ્યો હતો અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો. જે બાબતેની પુછપરછ કરતા ટ્રેલરમાં સંતોષ મલીક કન્ટેનર રખાવ્યુ હતું અને ટ્રેલર કીમ ચોકડી પાસેથી વોટસએપ કોલ કરીને આપ્યું હતું અને કન્ટેનરમાં યુરીયા ભર્યું છે તેમ કહી જે કન્ટેનર લીલાશાહ સેલ્સ એજન્સી વેરાવળ ખાતે પહોંચતું કરવાનુ છે. તેથી પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.


બીજા બનાવમાં પાદરા ટાઉનમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડયુ હતું. કન્ટેનર ખોલી તપાસ કરતા તેમાંથી રૂપિયા 70.86 લાખનો વિદેશી દારુ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, ટ્રેલર કાર, બે ટેમ્પો, રોકડા એક લાખ રૂપિયા અને એક બાઈક સહિત રૂ. 86.06 લાખનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ લેવા માટે આવેલા અન્ય વાહનના ચાલકોના તથા ગોડાઉનનો માલિક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Most Popular

To Top