Shinor

ભરથાણા નાકાએ GJ-6 પાસિંગના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપો, સ્થાનિકોની માગણી

કરજણ શિનોર પંથકના નાગરિકોએ ભરથાણા ટોલનાકાએ પહોંચી આવેદનપત્ર આપ્યું

શિનોર : વડોદરાના કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ભરથાણા ટોલ નાકાએ GJ 6 પાસિંગના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ સહિતની માંગણીઓ સાથેનું કરજણ શિનોર પંથકના મોટી સંખ્યામાં નાગરિકોએ ભરથાણા ટોલનાકાએ પહોંચી આવેદનપત્ર આપી ત્યાંથી પગપાળા પાંચ કિલોમીટર ચાલી કરજણ નાયબ કલેકટરને પણ આવેદનપત્ર આપી માગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.



વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ભરથાણા પાસે આવેલા ટોલનાકા ઉપર તાજેતરમાં ટોલટેક્સમાં વધારો કરતા અને તેમાં કરજણ પંથકના વાહનચાલકોને ટોલ ટેક્સ મુક્તિ ન અપાતા રોષે ભરાયેલા નાગરિકોએ ભરથાણા નજીકના ટોલ નાકા પર એડવોકેટ મનીષ પરમાર, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ , રાષ્ટ્રીય સચિવ કરણી સેનાના મનીષ પરમાર, યુવા અગ્રણી પ્રતીક પટેલની આગેવાની હેઠળ કરજણ શહેર અને શિનોરના સ્થાનિક નાગરિકો, ખેડૂતોએ મોટી સંખ્યામાં પહોંચી વિવિધ માગણીઓ જેમકે, વડોદરા જિલ્લાના GJ 06 પાસીંગ વાહનોને ટોલ મૂક્તિ આપવી, આ જ વાહનો માટે સર્વિસ રોડની સુવિધા પૂરી પાડવી, હાલ જે ટોલટેક્સ વધારવામાં આવ્યો છે, તેમાં ઘટાડો કરવામાં આવે, 100 મીટરની રેખા અંકિત કરી ટ્રાફિકજામ થાય ત્યારે ટોલ મુક્તિ આપી વાહનો જવા દેવામાં આવે એવી વ્યવસ્થા કરવા માટેની માગણીઓ સાથેનું અને માંગણીઓ સ્વીકારવામા નહીં આવે તો ઉગ્ર આંદોલનની આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોટી સંખ્યામાં ભરથાણા ટોલ નાકા પર પહોંચેલા સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ પગપાળા ચાલીને કરજણ સેવાસદન પર પહોંચી આ જ આવેદનપત્રની નકલ નાયબ કલેક્ટર કરજણને સુપ્રરત કરી છે.
કરજણ પંથકના મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિક નાગરિકો ખેડૂતોનો મિજાજ જોતા ઉગ્ર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top